હાલમાં રોકડમાં રૂપિયા બે લાખથી ઓછી ખરીદી પર જ્વેલર્સ કેવાયસી માગતા નથી. આ કારણે લોકો રોકડમાં જ્વેલરી ખરીદનારા અલગઅલગ દૂકાનેથી અથવા તો જુદા જુદા નામે જ્વેલરી ખરીદતા હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું છે. આ ક્ષતિને દૂર કરવા હવેથી કોઈપણ કિંમતની જ્વેલરી ખરીદનારે કેવાયસી પૂરા પાડવાનો વારો આવી શકે છે એમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
હાલમાં રિઅલ એસ્ટેટ, સ્ટોકસ, મ્યુચ્યુઅલ ફન્ડસ જેવી એસેટ કલાસની ખરીદી કરતા પહેલા રોકાણકારો અથવા ગ્રાહકો માટે કેવાઈસી ફરજિયાત છે.
ભારતમાં સોનાની વાર્ષિક માગ 825થી 875 ટનની છે. નોટબંધીના સમયમાં અસંખ્ય લોકોએ પોતાની પાસેના બેહિસાબી નાણાંનો ઉપયોગ સોનું ખરીદવા માટે કર્યો હોવાના અહેવાલો હતા.
ગયા વર્ષના ડિસેમ્બરથી સરકારે જ્વેલર્સને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ આવરી લીધા છે. આને કારણે જ્વેલર્સ તેમને ત્યાં કોઈપણ શંકાસ્પદ ખરીદી થાય અથવા એક મહિનામાં વિવિધ વેપારમાં રૂપિયા દસ લાખથી વધુનું વેચાણ રોકડમાં થાય તો તેની જાણકારી સત્તાવાળાને કરવાની રહેશે.
આમ સત્તાવાળાઓએ હવે જ્વેલર્સ પર જ જવાબદારી નાખી દીધી હોવાથી જ્વેલર્સ અત્યારથી જ કેવાયસી ધોરણનું પાલન કરવા લાગી ગયા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.