અમદાવાદઃ અટલ પેન્શન યોજના કેન્દ્ર સરકારની સામજિક સુરક્ષા યોજના છે. જનધન યોજનામાં ખાતું ખોલાવનારાઓમાંથી ૧૮થી ૪૦ વર્ષની વયજૂથમાં આવતતા દરેક ખાતેદારને અટલ પેન્શન યોજના સાથે જોડી દેવાની સૂચના દરેક રાષ્ટ્રીયકૃત બૅન્કોને આપવામાં આવી છે.  જાણીતા ગુજરાતી અખબારના રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં આજે અટલ પેન્શન યોજના સાથે સંકળાયેલા ૧૫ લાખ સભ્યો છે. આ સભ્યોની સંખ્યામાં દર વર્ષે ૫ લાખનો ઉમેરો કરવાના લક્ષ્યાંક સાથે કામ કરવા સ્ટેટ લેવલ બૅન્કર્સ કમિટીએ ગુજરાતની દરેક રાષ્ટ્રીયકૃત બૅન્કોને સૂચના આપી છે. આ સાથે જ એટલ પેન્શન યોજનાનો વ્યાપ વધારવા સક્રિયતા વધારવામાં આવી હોવાનું પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એ.જે. દાસે જણાવ્યું હતું. 


ગુજરાતમાંથી દર વર્ષે કેટલા ખાતેદારને જોડવાનું છે આયોજન


ભારતમાં કુલ નોકરિયાતોમાંથી માત્ર ૧૪ ટકા લોકોને જ પેન્શન મળે છે. વધુ લોકોને માટે વૃદ્ધાવસ્થામાં આવકની સલામતી વધારવા માટે અટલ પેન્શન યોજનાનો વ્યાપ વધારવાની કવાયત કરવામાં આવી રહી હોવાનું જણાવતા એ.જી. દાસે કહ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે નવા ૫,૦૨,૦૫૦ લોકો અટલ પેન્શન યોજનામાં જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી જનધન યોજનાના ગુજરાતના અદાજે ૧.૬૫ કરોડ ખાતેદારોમાંથી ૧૮થી ૪૦ની વયજૂથના ખાતેદારોને અલગ તારવીને તેમને અટલ પેન્શન યોજનામાં જોડાવા માટે સમજાવવામાં આવશે.


કોને કોને કામગીરીમાં સામેલ કરાશે


આ કામગીરી પાર પાડવા માટે રાષ્ટ્રીયકૃત બૅન્કો ઉપરાંત સહકારી બૅન્કો, ખાનગી બૅન્કો અને પોસ્ટ ડિપાર્ટમેન્ટને પણ વધુ સક્રિય કરવામાં આવશે. જાહેર ક્ષેત્રની બેન્કો થકી ચાલુ કરવામાં આવેલા અટલ પેન્શન યોજનાના કુલ ખાતાઓમાંથી ૭૨ ટકા ખાતાઓ રાષ્ટ્રીયકૃત બૅન્કો મારફતે જ ચાલુ કરવામાં આવેલા હોવાથી તેમના પર અને ગ્રામીણ બૅન્કો પર જ અત્યારે વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. 


અટલ પેન્શન યોજોનાનો શું છે લાભ


દરેકને પેન્શનનીગેરન્ટી આપતી અને ૧૮થી ૪૦ વર્ષના વયના નાગરિકોને તેમાં જોડાવાનું આમંત્રણ આપતી આ યોજના છે. અટલ પેન્શન યોજનામાં ૧૮થી ૪૦ વર્ષની વય દરમિયાન જોડાઈને મહિને રૃા. ૪૨થી માંડીને ૨૧૦નો ફાળો ૬૦ વર્ષ સુધીની વય સુધી આપીને મહિને રૃા. ૧૦૦૦થી રૃા. ૫૦૦૦ સુધીનું પેન્શન જીવે ત્યાં સુધી મળતું રહે છે. તેમ જ પતિ કે પત્ની બેમાંથી એકનું મૃત્યુ થાય તો બીજા પાત્રને તે રકમ તે જીવે ત્યાં સુધી મળતી રહે છે. બીજા પાત્રના અવસાન બાદ તેમના પેન્શન ફંડના નાણાં તેમના વારસદારો કે સંતાનોને મળે છે. પતિ અને પત્ની મળીને ૧૦૦૦-૧૦૦૦ કે ૫૦૦૦-૫૦૦૦નુે પેન્શન મેળવવાનું આયોજન કરી શકે છે. તેમાં પણ ઉપર દર્શાવેલા નિયમ પ્રમાણે બંનેને આજીવન પૂરું પેન્શન મળે છે. આમ આ યોજનામાં આજીવન પેન્શન અને પેન્શનફંડ પરત મળવાની ગેરેન્ટી મળે છે. આ સંદર્ભમાં ગુજરાતમી દરેક રાષ્ટ્રીયકૃત બૅન્કના અધિકારીઓની એક બેઠક પણ યોજવામાં આવી હતી. ગુજરાત સરકારના નાણાં વિભાગના અધિકારીઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.