નવી દિલ્હી : હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં તાજેતરમાં મોદી સરકારના મંત્રી દ્વારા વિદેશી કંપનીઓએ બંધ કરી દીધેલા બિઝનેસની વિગત આપી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સંસદમાં માહિતી આપતા કહ્યું કે વર્ષ ૨૦૧૪ પછી અત્યાર સુધીમાં લગભગ ૨,૮૦૦ વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે.

  તેમણે કહ્યું કે હાલમાં લગભગ ૧૨,૫૦૦ વિદેશી કંપનીઓ ભારતમાં પેટાકંપનીઓ દ્વારા કામકાજ કરી રહી છે. ૨૦૧૪ની ચૂંટણી બાદ સત્તામાં આવેલ કેન્દ્રની મોદી સરકારના રાજમાં છેલ્લા સાત વર્ષમાં લગભગ ૨,૮૦૦ વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે.


લેખિત પ્રશ્નના જવાબમાં વાણિજ્ય મંત્રીએ શું કહ્યું


એક લેખિત પ્રશ્નના જવાબમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ  ગોયલે જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષમાં ૨૭૮૩ વિદેશી કંપનીઓએ ભારતમાં તેમની કામગીરી બંધ કરી છે. આ કંપનીઓ સંપર્ક ઓફિસ, બ્રાન્ચ ઓફિસ, પ્રોજેક્ટ ઓફિસ અથવા પેટાકંપનીના બેનર હેઠળ ભારતમાં નોંધાયેલી હતી. વ્યવસાયિક હેતુ કે પ્રોજેક્ટ પૂરા થતા, પેરેન્ટ કંપનીનું પુનર્ગઠન, મર્જર અથવા મેનેજમેન્ટના અન્ય કોઈ નિર્ણયને કારણે તેઓએ અહીં કામ કરવાનું બંધ કર્યું.


કઈ તારીખ સુધીનો છે આ આંકડો


ગોયલે કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં ૧૦,૭૫૬ વિદેશી કંપનીઓએ બિઝનેસ શરૂ કર્યો છે. આ કંપનીઓના રજીસ્ટ્રેશન બાદ હવે ભારતમાં કુલ ૧૨,૪૫૮ સક્રિય વિદેશી કંપનીઓ છે. ગોયલે કહ્યું કે આ આંકડો ૩૦ નવેમ્બર, ૨૦૨૧ સુધીનો છે.


ઈઝ ઓફ ડુઈંગમાં ભારતની શું છે સ્થિતિ


વિશ્વ બેંકના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત હાલમાં ૬૩મા ક્રમે છે. ૨૦૧૪થી ૨૦૧૯ સુધીમાં ભારતની સ્થિતિમાં ૭૯ સ્થાનનો સુધારો થયો છે. જો કે આ સુધારો અહિં સુધી પૂરતો નથી. આંતરરાષ્ટ્રીય કંપનીઓના ભારતના રોકાણમાં વધારવા માટે હજી મોટા પાયે સુધારાની જરૂર છે.