નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારીના કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોનના હપ્તા ટાળવાની મુદતમાં વધુ ત્રણ મહિનાનો વધારો કર્યો છે. એટલે કે જો તમે હોમ કે ઓટો લોન લીધી હોય તો ઈએમઆઈ ઓગસ્ટ સુધી ટાળી શકો છો. બેન્કિંગ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે, આમ તો કોઈ ઈએમઆઈ ન ચૂકવવાનો વિકલ્પ પસંદ કરનાર ગ્રાહકોની લોન એનપીએ અંતર્ગત ન આવે અને ન તો તેના સિબિલ પર કોઈ અસર પશે. તેમ છતાં આગામી એક વર્ષ સુધી તેની લોન લેવાની ક્ષમતા પર તેની અસર પડવાનું નક્કી છે.


ઈન્ડિયન બેંક્સ એસોસિએશને ઈએમઆઈ ટાળવાને લઈ વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો જાહેર કરતાં કહ્યું કે, જે ઋણદારોની આવકમાં ખાસ ફરક ન પડ્યો હોય તેમણે ઈએમઆઈ સમયસર ભરી દેવો જોઈએ. જો તમારી આવક ખરેખર ઘટી હોય તો આ રાહતનો લાભ ઉઠાવી શકો છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે જો તમે ઈએમઆઈ ટાળશો તો આ દરમિયાન તમને કંઈ નહીં થાય પરંતુ બાદમાં વ્યાજ લાગશે અને તમારે ચૂકવવું પડશે.

કેટલો બોજ વધશે?

જો કોઈ વ્યક્તિ ઈએમઆઈ ટાળવા માંગતુ હોય તો બેંક તેને ત્રણ વિકલ્પ આપી રહી છે.

પ્રથમ વિકલ્પઃ મોરાટોરિયમ પીરિયડમાં ઈએમઆઈ નહીં ભરવા પર જે વ્યાજ થાય તેની પૂરેપૂરી રકમ ઓગસ્ટમાં એક સાથે ચૂકવી દો. જેમકે, તમે 29 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે લીધી છે તો તેનો EMI 25,225 રૂપિયા આવશે. જો તેને છ મહિના માટે ટાળવામાં આવે તો કુલ રકમ 1,51,350 રૂપિયા થાય. તેના પર બેંકોએ નક્કી કરેલું 5 થી 7 ટકા વ્યાજ આપવું પડી શકે છે. જો સાત ટકા વ્યાજ ગણવામાં આવે તો આ રકમ 1,61,944 રૂપિયા થાય.

બીજો વિકલ્પઃ 6 ઈએમઆઈને લોન સાથે ઉમેરવામાં આવે પરંતુ લોનની મુદત ન વધારવામાં આવે અને ઈએમઆઈની રકમ વધારવામાં આવે. જેમકે, તમે 29 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે લીધી છે તો તેનો EMI 25,225 રૂપિયા આવશે. અત્યાર સુધી તમે 12 હપ્તા ભરી ચુકયા છો અને 228 હપ્તા બાકી છે. હવે તમે 6 મહિના માટે ઈએમઆઈ ટાળો છો તો બાદમાં ઈએમઆઈની રકમ 25,225ના બદલે 25,650 રૂપિયા આસપાસ આવશે. લોનનો ગાળો એટલો જ રહેશે.

ત્રીજો વિકલ્પઃ ઈએમઆઈ ન વધારવામાં આવે પરંતુ લોનનો ગાળો વધારી દેવામાં આવે. 29 લાખ રૂપિયાની 20 વર્ષની લોન પર જ્યારે તમે છ મહિના માટે ઈએમઆઈ ટાળો છો તો બાદમાં તમારા કુલ ઈએમઆઈમાં સાતનો વધારો થઈ જશે. જેમાં છ મહિનાના ઈએમઆઈ પર લાગનારા વ્યાજનો પણ સમાવેશ થાય છે.