નવી દિલ્હીઃ સરકારી ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ને ભરોસાનું  પ્રતિક માનવામાં આવે છે. દેશના કરોડો લોકો આંખ બંધ કરીને પોતાની કમાણીનો મોટો હિસ્સો એલઆઇસીની યોજનાઓમાં લગાવે છે. પરંતુ તાજેતરના વર્ષોમાં અનેક ઘટનાઓ એ તરફ સંકેત કરી રહી છે કે એલઆઇસીના ભંડોળ પર જોખમ વધી રહ્યું છે. મોટા પ્રમાણમાં રોકડ હોવાના કારણે એલઆઇસી  સરકાર માટે સંકટમોચનનું કામ કરતી રહી છે. એલઆઇસી મારફતે સાર્વજનિક કંપનીઓ અને બેન્કોના શેર ખરીદી કરીને તેને બચાવવાનું કામ કર્યું છે.


નાણાકીય વર્ષ 2019-20ના અગાઉના છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર)માં એલઆઇસીના એનપીએમાં 6.10 ટકાનો વધારો થયો છે. આ એનપીએસ પ્રાઇવેટ ક્ષેત્રની યસ બેન્ક, આઇસીઆઇસીઆઇ, એક્સિસ બેન્કની નજીકમાં છે. કોઇ સમયમાં બેસ્ટ અસેટ ક્વોલિટી માટે જાણીતી એલઆઇસી પ્રાઇવેટ બેન્કના બદલતા માહોલમાં વધતા એનપીએથી પરેશાન દેખાઇ રહી છે.

2019-20ના બીજા ત્રિમાસિક ગાળામાં યસ બેન્કનો એનપીએ 7.39 ટકા, આઇસીઆઇસીઆઇનો એનપીએ 6.37 ટકા અને એક્સિસ બેન્કનો એનપીએ 5.03ટકા પર પહોંચી ગયો છે.કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એલઆઇસીના વધતા એનપીએને લઇને ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, કરોડો ઇમાનદાર લોકો એલઆઇસીમાં રોકાણ કર્યું છે કારણ કે તેમને  એલઆઇસી પર વિશ્વાસ છે પરંતુ મોદી સરકાર એલઆઇસીને નુકસાન પહોંચાડીને તેના ભવિષ્ય સાથે રમત રમી રહી છે અને લોકોના વિશ્વાસને નષ્ટ કરી રહી છે.