નવી દિલ્હીઃ મહિન્દ્રાની નવી એસયૂવી મહિન્દ્રા એક્સયૂવી 300 આજે લોન્ચ થઈ ગઈ છે. કારના ફીચર્સની જાણકારી કંપની પહેલા જ આપી ચૂકી છે, આજે તેનું સત્તાવાર લોન્ચિગં થઈ રહ્યું છે. આ કારની સ્પર્ધા ફોર્ડ ઈકોસ્પોર્ટ, ટાટા નેક્સોન અને મારુતિ સુઝુકીની વિટારા બ્રેઝા સાથે થશે. જોકે તેની ડિઝાઈનને જોતા તેની ટક્કર હ્યુન્ડાઈની ક્રેટા સાથે પણ થશે. આ કારની શરૂઆતની કિંમત 7.9 લાખ રૂપિયા છે.



આ કિંમત કારના પેટ્રોલ વેરિયન્ટની છે, જ્યારે કારના ડીઝવ વેરિયન્ટની શરૂઆતી કિંમત 8,49,000 રૂપિયા છે. આ કિંમત એક્સ શોરૂમ દિલ્હીની છે. મહિન્દ્રાએ આ કારનું બુકિંગ જાન્યુઆરીમાં શરૂ કર્યું હતું. કારમાં 1.2 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 200 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે આ કારમાં તમને 1.5 લિટરનું ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ળશે. આ જ એન્જિન મહિન્દ્રાની એમયૂવી મરાજોમાં પણ છે.



કારમાં આપવામાં આવેલ ફીચર પણ આ સેગમેન્ટની અન્ય કાર કરતાં તેને અલગ રાખે છે. મહિન્દ્રાએ નવી એસયૂવીમાં સુરક્ષાનું ધ્યાન રાખતા એરબેગ, એબીએસ, ફોર વ્હીલ ડિસ્ક બ્રેક આપી છે. ઉપરાંત એલઈડી ટેલ લાઈટ અને પાવર વિન્ડો ફીચર પણ છે. મહિન્દ્રા એક્સયૂવી 300ના ટોપ વેરિયન્ટમાં ફ્રન્ટ કાર પાર્કિંગ સેન્સર, ડ્યુઅલ ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ, 8 ઇંચની ટચસ્ક્રીન, સનરૂફ અને સાત એરબેગ આપવામાં આવ્યા છે.