માલ્યાએ ટ્વિટમાં કહ્યું કે, હું સન્માન સાથે પૂછવા માંગુ છું કે વડાપ્રધાન તમે બેંકોને એવો આદેશ કેમ નથી આપતાં કે કિંગફિશરને મળનારું પબ્લિક ફંડ ચુકવવા માટે હું તૈયાર છું, તમે તે લઈ લો. માલ્યાએ અન્ય ટ્વિટમાં એમ લખ્યું કે, પીએમ મોદી સારા વક્તા છે અને મીડિયા જે પ્રકારની સ્ટોરી બતાવી રહ્યું છે તેના પરથી હું એમ માની લઉં છું કે તેઓ મારા વિશે જ વાત કરતા હતા.
માલ્યાએ તેનો બચાવ કરતાં અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, મેં મારી સંપત્તિ છુપાવી હોવાના ઈડીના દાવા અંગે મીડિયામાં આવેલા સમાચારથી આશ્ચર્યચકિત છું. લોકોને ગેરમાર્ગે દોરવાની એક શરમજનક બાબત છે. જોકે, આ બહુ નવાઈની વાત નથી. જો કોઈ સંપત્તિ છુપાવી હોત તો હું કોર્ટ સમક્ષ આશરે 14,000 કરોડ રૂપિયાની સંપત્તિનો ખુલાસો કેમ કરી શકત ?
નવેમ્બર 2016માં મુંબઈની એક સ્પેશિયલ પીએમએલએ કોર્ટ શરાબ કારોબારી વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યો હતો. તેની સાથે જ કોર્ટે માલ્યાની તમામ ઘરેલુ સંપત્તિ, શેર અને ડિબેન્ચર જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. તે વિવિધ બેંકોના આશરે 9000 કરોડ રૂપિયા લઈ ફરાર થઈ ગયો છે. તેના પર ટેક્સ ચોરી અને મની લોન્ડ્રિંગના અલગથી કેસ ચાલી રહ્યા છે.