નવી દિલ્હીઃ પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોકસી પર ગાળીયો વધુ મજબૂત થયો છે. એન્ટિગુઆ સરકારે મેહુલ ચોકસીની નાગરિકાત રદ કરવાનો નિર્ણય કર્યો છે. કેરેબિયન દેશના આ નિર્ણય બાદ મેહુલ ચોકસી પાસે બચવાનો કોઈ રસ્તો નહીં રહે. નોંધનીય છે કે, ભારતે ચોકસીના પ્રત્યર્પણ માટે એન્ટિગુઆ સરકાર પર જબરદસ્ત દબાણ બનાવ્યું હતું. એન્ટિગુઆના પીએમે કહ્યું કે, અમે કોઈપણ અપરાધઓને સંરક્ષણ ન આપી શકીએ. જોકે ભારતે આ માટે કોઈપણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી છે.


તેની સાથે જ મેહુલ ચોકસીને ભારત લાવવાનું હવે સરળ થઈ જશે. PNB કૌભાંડમાં નીરવ મોદી અને રાહુલ ચોકસી પર 13000 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ હતો. આ કેસ 2018મા સામે આવ્યો હતો, ત્યારથી જ વિપક્ષ આ મુદ્દા પર મોદી સરકારને ઘેરી રહ્યાં છે.



એન્ટિગુઆના વડાપ્રધાનના મતે મેહુલ ચોકસીને પહેલાં જ અહીંની નાગરિકતા મળેલી હતી. પરંતુ હવે તેને રદ્દ કરી રહ્યા છે અને ભારતમાં તેનું પ્રત્યર્પણ કરવામાં આવશે. અમે એવા કોઇપણ વ્યક્તિને મારા દેશમાં રાખીશું નહીં, જેના પર કોઇપણ પ્રકારનો આરોપ મૂકાયો હોય.

વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનના મતે હવે એન્ટિગુઆમાં મેહુલ ચોકસી કોઇપણ પ્રકારના કાયદાકીય રસ્તાથી બચી શકશે નહીં, જેનાથી તેઓ બચી નીકળે આથી તેમની ભારત વાપસી લગભગ નક્કી છે. અત્યારે મેહુલ ચોકસી સાથે જોડાયેલો આખો મામલો કોર્ટમાં છે, આથી અમારે આખી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. એન્ટિગુઆના વડાપ્રધાને કહ્યું કે તેમણે તેને લઇ ભારત સરકારને પૂરી માહિતી આપી દીધી છે. જો કે મેહુલ ચોકસીને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવાનો સમય અપાશે. જ્યારે તેમની પાસે કોઇપણ કાયદાકીય ઓપ્શન બચશે નહીં તો તેમને ભારત પ્રત્યર્પિત કરી દેવાશે.