અમેરિકન ચિપ નિર્માતા માઈક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં નવો સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. જેના પર કંપની ગુજરાતમાં 2.75 બિલિયન ડોલરનું રોકાણ કરશે. ભારતમાં માઈક્રોનનું આ પ્રથમ રોકાણ હશે.
માઈક્રોન ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહકારને કારણે આ ચિપ સુવિધા શરૂ કરવા માટે કુલ 2.75 બિલિયન ડોલર( અંદાજીત 22,540 કરોડ રૂપિયા)નું રોકાણ કરવામાં આવશે, જેમાં ભારત સરકાર 50 ટકા અને ગુજરાત સરકાર 20 ટકા રોકાણ કરશે.
કંપનીએ જણાવ્યું હતું કે આ નવા પ્લાન્ટનું નિર્માણ 2023 માં જ શરૂ થશે અને 2024 ના અંત સુધીમાં પ્લાન્ટમાંથી પ્રોડક્શન શરૂ થઇ જશે. આ ચિપ પ્લાન્ટના બીજા તબક્કા પર કામ આ દાયકાના બીજા તબક્કામાં શરૂ થશે. માઈક્રોન ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે બંન્ને તબક્કામાં 5,000 લોકોને સીધી રોજગારી મળશે જ્યારે 15,000 લોકોને આગામી કેટલાક વર્ષો સુધી પરોક્ષ રીતે રોજગારી મળતી રહેશે.
માઈક્રોન ટેક્નોલોજીએ કહ્યું હતું કે આ પ્લાન્ટને સરકારની ATMP યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે. નવો પ્લાન્ટ DRAM અને NAND બંને ઉત્પાદનોના એસેમ્બલી અને પરીક્ષણ ઉત્પાદન માટે સક્ષમ હશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોની માંગને પણ પૂરી કરશે.
અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માઇક્રોન ટેક્નોલોજીના સીઇઓ સંજય મેહરોત્રા સાથેની બેઠક બાદ આ ડીલને સત્તાવાર જાહેરાત કરાઇ હતી. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાના પ્રોજેક્ટને કેબિનેટે મંજૂરી આપી દીધી હતી. નોંધનીય છે કે વેદાંતના અનિલ અગ્રવાલે પણ ગુજરાતમાં જ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી.