Ministry of Finance: સોશિયલ મીડિયાએ લોકોને બોલવા અને લખવાનું પ્લેટફોર્મ આપ્યું છે. પરંતુ, ઘણા લોકો આ પ્લેટફોર્મનો દુરુપયોગ પણ કરી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ દાવો કરવામાં આવ્યો હતો જેને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. કહેવાય છે કે નાણા મંત્રાલયે એક નવી યોજના શરૂ કરી છે. જેમાં ભારતના નાગરિકોને 46,715 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. હવે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ દાવાને સંપૂર્ણપણે ખોટો જાહેર કર્યો છે. પીઆઈબીનું કહેવું છે કે ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. લોકોએ આવા દાવાઓથી સાવધ રહેવું જોઈએ.






નાણા મંત્રાલય આવી કોઈ યોજના ચલાવી રહ્યું નથી


પીઆઈબીએ ફેક્ટ ચેકમાં માહિતી આપી છે કે વોટ્સએપ દ્વારા એવો મેસેજ ફેલાવવામાં આવી રહ્યો છે કે નાણાં મંત્રાલય ગરીબોને 46,715 રૂપિયાની આર્થિક સહાય કરી રહ્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે તેમની અંગત માહિતી માંગવામાં આવી રહી હતી. PIB અનુસાર, આ દાવો ખોટો છે. નાણા મંત્રાલય આવી કોઈ યોજના ચલાવી રહ્યું નથી. આ મેસેજ છેતરપિંડી કરનારા લોકો દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે. તેઓ તમારી અંગત માહિતી એકત્રિત કરીને તમને નુકસાન પહોંચાડી શકે છે.


ભૂતકાળમાં પણ આવી જ યોજનાઓ દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે


સોશિયલ મીડિયા પર આવા અનેક ખોટા દાવાઓ પહેલા પણ કરવામાં આવી ચુક્યા છે. સાયબર ક્રાઈમના ગુનેગારો આવી નકલી સ્કીમના મેસેજ મોકલીને નિર્દોષ લોકોને છેતરે છે. તેમને આ યોજનાઓ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ, રાશન કાર્ડ અને બેન્ક એકાઉન્ટ જેવી અંગત માહિતી આપવાનું કહેવામાં આવે છે. એકવાર આવી મહત્વપૂર્ણ માહિતી આ ઓનલાઈન છેતરપિંડી કરનારાઓના હાથમાં આવી જાય તો તેઓ કોઈપણ સમયે તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે. દેશમાં આવા ઘણા કિસ્સાઓ બની ચૂક્યા છે. તેથી એબીપી અસ્મિતા તમને સલાહ આપે છે કે જ્યારે તમે તેના વિશે માહિતી મેળવો ત્યારે આવી કોઈપણ આકર્ષક યોજનાની સંપૂર્ણ તપાસ કરો.