નવી દિલ્હીઃ દુનિયાભરમાં છવાયેલી આર્થિક મંદીની અસર હવે ભારતની અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે. મોટી રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે કેલેન્ડર વર્ષ 2019 માટે ભારતની જીડીપીનો વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 6.2 ટકા કરી દીધો છે. આ અગાઉ 6.8 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. આ અગાઉ ઓગસ્ટની શરૂઆતમાં રેટિંગ એજન્સી CRISILએ 2019-20ના ગ્રોથ એસ્ટિમેન્ટમાં સંશોધન કરતા તેને 6.9 ટકા બતાવ્યો હતો જ્યારે આ અગાઉ તેને 7.1 આંકવામાં આવ્યો હતો. ઓગસ્ટમાં દ્ધિમાસિક મોનિટરી પોલિસી રિવ્યૂમાં આરબીઆઇએ પણ 2019-20 માટે જીડીપી ગ્રોથ રેટ ઘટાડીને 6.9 ટકા કરી દીધો હતો જે અગાઉ સાત ટકા હતો.


કેલેન્ડર વર્ષ 2020 માટે વૃદ્ધિદરનો અંદાજને 0.6 ટકા ઘટાડીને 6.7 ટકા કરી દીધો છે. આ અગાઉ 7.3 ટકા રહેવોન અંદાજ વ્યક્ત કર્યો હતો. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે એક નિવેદનમાં કહ્યું કે, કમજોર વૈશ્વિક અર્થવ્યવસ્થાથી એશિયાઇ એક્સપોર્ટ પ્રભાવિત થયો છે. તે સિવાય અનિશ્વિત વાતાવરણના કારણે પણ રોકાણ પર અસર પડી છે.

જાપાનની મોટી રેટિંગ એજન્સી નોમુરાના મતે દેશની આર્થિક વૃદ્ધિ આ વર્ષે જૂન ત્રિમાસિક માં 5.7 ટકા રહેવાનો અંદાજ છે. કંપનીએ પોતાની રિસર્ચ નોટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2018-19માં અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી થઇને 6.8 ટકા આવી ગઇ છે. આ 2014-15 બાદથી નિમ્ન સ્તર પર છે. અમારો અંદાજ છે કે જીડીપી વૃદ્ધિ માર્ચના 5.8 ટકાથી ઘટીને જૂન ત્રિમાસિકમાં 5.7 ટકા રહી જશે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં આ વધીને 6.4 ટકા થઇ જશે. ત્યારબાદ ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિની ઝડપ 6.7 ટકા રહેવાની આશા છે.