નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને આગામી પહેલી નવેમ્બરથી મોટો ઝટકો લાગી શકે છે. વાસ્તવમાં એસબીઆઈ સેવિંગ્સ એકાઉન્ટ પર મળતા વ્યાજમાં ઘટાડો કરવા જઈ રહી છે. એવામાં જો તમે પણ એસબીઆઈ ખાતામાં પૈસા રાખ્યા છે. તો તેના પર મળનારું વ્યાજ ઘટી જશે. વ્યાજદરોમાં આ ઘટાડો 1 નવેમ્બર 2019થી લાગૂ થશે. બીજી તરફ સરકાર ડિજીટલ પેમેન્ટ માટે નિયમોમાં મોટા ફેરફાર કરી રહી છે.


એસબીઆઈ એક લાખ રૂપિયા સુધીની થાપણો પર વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરશે. 1 નવેમ્બરથી 1 લાખ રૂપિયા પરનો વ્યાજ દર 3.50 ટકાથી ઘટાડીને 3.25 ટકા કરવામાં આવશે. બેંકના આ બદલાતા નિયમની અસર લગભગ 42 કરોડ ગ્રાહકોને થશે.

હાલમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ એક નિર્દેશ જારી કર્યો હતો કે 1 નવેમ્બરથી વેપારીઓ ડિજિટલ ચુકવણી લેવાનો ઇનકાર કરી શકશે નહીં. નવા નિયમ મુજબ વેપારી અને ગ્રાહકો પાસેથી 1 નવેમ્બરથી વેપારી ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લેવામાં આવશે નહીં.

બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુકે, 50 કરોડ રૂપિયાથી વધારે વાર્ષિક ટર્નઓવર વાળા કારોબારી સંસ્થાઓએ પોતાના ગ્રાહકોને ઓછા ખર્ચવાળી ચૂકવણી માટે ડિજીટલ મોડ રજૂ કરવું જોઈએ. અને ટ્રાન્ઝેક્શન પર આવતા ખર્ચને આરબીઆઈ તથા બેંકોએ ચૂકવવો જોઈએ.

બીજી બાજુ મહારાષ્ટ્રમાં PSU Bankનું નવું ટાઇમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે. હવે તમામ બેંકો એક જ સમયે ખુલશે અને બંધ થશે. બેંકોનો સમય સવારે 10 થી સાંજના 5 સુધીનો હોય છે, પરંતુ પૈસાની લેવડદેવડ બપોરે 3:30 વાગ્યા સુધીની હોય છે. મહારાષ્ટ્રમાં બેંકોનું નવું સમયપત્રક બેંકર્સ સમિતિએ નક્કી કર્યું છે, જેનો અમલ 1 નવેમ્બરથી થશે.નાણાં મંત્રાલયે બેંકોના કામકાજના સમય સમાન રાખવાની સૂચના આપી હતી. આ પહેલા એક જ વિસ્તારમાં બેંકોનો કાર્યકારી સમય અલગ રહેતો હતો. નવા ટાઇમ ટેબલ મુજબ, બેંકો સવારે 9 વાગ્યે ખુલશે અને બપોરે 4 વાગ્યા સુધી કામ કરશે. કેટલીક બેંકોનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો રહેશે.

આજથી કારો પર મળતું ભારે વળતર ખતમ થશે. વર્તમાન સમયમાં અનેક મોટી કાર ઉત્પાદક કંપનીઓ કારો પર ભારે છૂટ આપી રહી છે. હવે આ કંપનીઓનું કહેવું છે કે લાંબા સમય સુધી વળતર આપવું શક્ય નથી. એક મીડિયા રિપોર્ટમાં મારુતિ સુઝુકીના માર્કેટિંગ તેમજ Executive Director શશાંક શ્રીવાસ્તવના હવાલેથી કહેવામાં આવ્યું છે કે બજારને ફરીથી જીવંત કરવા માટે તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ આવું હંમેશા ન થઈ શકે. આથી હવેથી આવી છૂટ ઓછી થવાની સંભાવના છે.

ગત 01 ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડર (LPG Cylinder) એટલે કે રાંધણ ગેસની કિંમતમાં વધારો થયો હતો. આ સતત બીજો મહિનો હતો જ્યારે એલપીજીની કિંમતમાં વધારો થયો હતો. ઓક્ટોબરમાં સબસીડી વગરના ગેસની બોટલની કિંમતમાં 15 રૂપિયાનો વધારો થયો હતો. એવામાં એવી આશા રાખવામાં આવી રહી છે કે નવેમ્બરમાં રાંધણ ગેસની કિંમતમાં ઘટાડો થશે.