ત્રણેય બેન્કોએ ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો ઑફ ઇન્ડિયા પાસેથી મળેલા ક્રેડિટ સ્કોર સ્લેબના આધારે લોન આપશે. નવી એક્સટર્નલ બેંચમાર્ક વ્યવસ્થા અંતર્ગત, હવે બેન્ક ઑફ બરોડા નવી લોન આપવા માટે સિબિલ સ્કોરની મદદ લેશે. જો કોઇ ગ્રાહકનો કુલ ક્રેડિટ સ્કોર 900માંથી 760 તથા તેનાથી વધુ હોય તો 8.1 ટકાના વ્યાજ દરે લોન મળશે. 725થી 759ની વચ્ચે ક્રેડિટ સ્કોર રહેવા પર લોન માટે વ્યાજ દર 8.35 ટકા નક્કી કરવામાં આવ્યો છે. સાથે જ 675થી 724 વચ્ચે ક્રેડિટ સ્કોર રહેવા પર 9.1 ટકા વ્યાજ આપવુ પડશે. આ પ્રકારે જોઇએ તો લઘુત્તમ અને મહત્તમ વ્યાજ દરોમાં 1 ટકાનું અંતર હશે. તેવામાં જો કોઇ ગ્રાહકનો ક્રેડિટ સ્કોર સારો હોય તો તે 1 ટકા ઓછા દરે લોન મેળવી શકે છે.
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ એક્સટરનલ બેંચમાર્કના આધારે વ્યાજ દર નક્કી કરવા માટે તમામ બેન્કોને ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ વસૂલવાની મંજૂરી આપી છે. આરબીઆઈની આ પરવાનગી પછી, લોન માટે ક્રેડિટ સ્કોરની જરૂરિયાત વધુ વધી છે. 1 ઓક્ટોબરથી, નવા ફ્લોટિંગ દરે રિટેલ લોન નક્કી કરવા માટે બેંકોએ એક્સટર્નલ બેંચમાર્ક અપનાવ્યો છે. લોનની સંપૂર્ણ અવધિ દરમિયાન ક્રેડિટ સ્કોર એટલો મહત્વનો રહેશે જેટલો તે લોનની મંજૂરીના સમયે હશે.
યુનિયન બેંક ઑફ ઇન્ડિયા 700થી નીચેના ક્રેડિટ સ્કોરવાળા ગ્રાહકો પાસેથી 10 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ લેશે. સીઆઈબીઆઈએલનો સ્કોર 300 થી 900 સુધીનો છે, જેમાં 900ને ઉચ્ચ સ્તરનો સ્કોર માનવામાં આવે છે અને 300ને સૌથી નીચો માનવામાં આવે છે.