નવી દિલ્હીઃ વિશ્વભરમાં લોકડાઉન દરમિયાન બુધવારે એક મોટી બિઝનેસ ડીલના સમાચાર સામે આવ્યા હતા. વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે રિલાયન્સ જિયોમાં કેટલોક હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. રિલાયન્સ જિયોમાં 9.99 ટકા હિસ્સો ખરીદવા માટે ફેસબુક 5.7 બિલિયન ડોલર એટલે કે 43,574  કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. તેની સાથે જ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે અને તેમણે ચીનમાં અલીબાબાના સંસ્થાપક જેક માને પાછળ રાખી દીધા છે.


મુકેશ અંબાણીની સંપત્તિમાં ગઈકાલે 4 અબજ ડોલરનો વધારો થયો હતો અને 49 અબજ ડોલરે પહોંચી ગઈ છે. આ રીતે જેક માથી તેમની સંપત્તિ આશરે 3 અબજ ડોલર જેટલી વધી ગઈ છે. બુધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં 90,000 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

ફેસબુકે 43,574 કરોડ રૂપિયાના રોકાણથી જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. જે ભારતમાં કોઈ વિદેશી કંપનીનું સૌથી મોટું પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલેકે એફડીઆઈ છે.

ગુરુવારે સવારે 10.15 કલાકે રિલાયન્સનો શેર 1370 પર કારોબારી કરી રહ્યો છે.