pan misuse: ડિજિટલ ક્રાંતિના આ યુગમાં સુવિધાઓની સાથે સાથે ઓનલાઈન છેતરપિંડીનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધી ગયું છે. હાલમાં જ જાણીતા ટીવી અભિનેતા અભિનવ શુક્લા સાથે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં તેમના પાન કાર્ડ (PAN Card) નો દુરુપયોગ કરીને તેમના નામે બોગસ લોન લેવામાં આવી હતી. આ ઘટના દરેક ભારતીય નાગરિક માટે લાલ બત્તી સમાન છે. ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી હોતો અને આપણા દસ્તાવેજોનો ઉપયોગ કરીને કોઈ બીજું લોન લઈ લેતું હોય છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે તમારા નામે કોઈ શંકાસ્પદ લોન ચાલી રહી છે કે કેમ તે તમે ઘરે બેઠા કેવી રીતે તપાસી શકો છો.

Continues below advertisement


PAN કાર્ડ કેમ બને છે સોફ્ટ ટાર્ગેટ?


પાન કાર્ડ માત્ર આવકવેરો (Income Tax) ભરવા પૂરતું સીમિત નથી, પરંતુ તે તમારી સૌથી મહત્વપૂર્ણ નાણાકીય ઓળખ છે. બેંક એકાઉન્ટ ખોલવાથી લઈને, લોન લેવા, ક્રેડિટ કાર્ડ મેળવવા અને KYC અપડેટ કરવા સુધી દરેક જગ્યાએ પાન કાર્ડ અનિવાર્ય છે. સાયબર ગઠિયાઓ આ જ બાબતનો ફાયદો ઉઠાવે છે. જો તમારી પાન કાર્ડની વિગતો તેમના હાથમાં આવી જાય, તો તેઓ સહેલાઈથી તમારા નામે લોન લઈને તમારી આર્થિક પ્રતિષ્ઠા (Credit History) ને મોટું નુકસાન પહોંચાડી શકે છે.


કેવી રીતે ચેક કરશો 'નકલી લોન'?


તમારા નામે કોઈ ફ્રોડ લોન ચાલી રહી છે કે નહીં તે જાણવાનો સૌથી સરળ અને સચોટ રસ્તો તમારો 'ક્રેડિટ સ્કોર' અથવા 'CIBIL રિપોર્ટ' તપાસવાનો છે. આ માટે તમારે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:


સૌ પ્રથમ CIBIL, Experian, CRIF High Mark અથવા Equifax જેવી વિશ્વસનીય ક્રેડિટ બ્યુરોની વેબસાઈટની મુલાકાત લો.


ત્યાં તમારો પાન નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.


તમારો ક્રેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરો.


રિપોર્ટમાં આ બાબતો ખાસ તપાસો:


શું લિસ્ટમાં એવી કોઈ લોન દેખાય છે જે તમે ક્યારેય લીધી જ નથી?


શું કોઈ અજાણી બેંક કે NBFC દ્વારા તમારા ક્રેડિટ રિપોર્ટમાં પૂછપરછ (Enquiry) કરવામાં આવી છે?


શું તમારા નામે કોઈ EMI ડિફોલ્ટ કે બાકી લેણાં બોલે છે? જો આમાંથી કોઈપણ સવાલનો જવાબ 'હા' હોય, તો સમજવું કે તમારા દસ્તાવેજોનો દુરુપયોગ થયો છે.


છેતરપિંડી દેખાય તો તાત્કાલિક લો આ પગલાં


જો તમને તમારા રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો ગભરાવાને બદલે ત્વરિત કાર્યવાહી કરો:


બેંકનો સંપર્ક કરો: જે બેંક કે સંસ્થામાંથી ખોટી લોન લેવામાં આવી છે, તેમનો સંપર્ક કરી લેખિતમાં જાણ કરો.


પોલીસ ફરિયાદ: તમારા નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલમાં FIR નોંધાવો. કાનૂની લડત માટે આ દસ્તાવેજ ખૂબ જરૂરી છે.


ડિસ્પ્યુટ ફોર્મ: જે ક્રેડિટ બ્યુરો (જેમ કે CIBIL) ના રિપોર્ટમાં ભૂલ છે, તેમની વેબસાઈટ પર જઈને 'Dispute Form' ભરો જેથી તે ખોટી એન્ટ્રી તમારા રેકોર્ડમાંથી દૂર કરી શકાય.


ભવિષ્યમાં બચવા માટેની 'સ્માર્ટ ટિપ્સ'


તમારી સુરક્ષા તમારા હાથમાં છે. નીચે મુજબની સાવચેતી રાખીને તમે ફ્રોડથી બચી શકો છો:


સ્વ-પ્રમાણિત (Self-Attest): જ્યારે પણ ક્યાંય પાન કાર્ડની ઝેરોક્સ આપો, ત્યારે તેના પર સહી કરીને સ્પષ્ટ લખો - "આ નકલ ફક્ત XYZ કામ માટે આપવામાં આવી છે."


નિયમિત ચેકિંગ: સમયાંતરે તમારો ક્રેડિટ સ્કોર, ફોર્મ 26AS અને AIS (Annual Information Statement) ચેક કરતા રહો.


સાવચેતી: કોઈ પણ અજાણી લિંક, ઈમેઈલ કે અનવેરિફાઈડ એપ પર તમારી પાન વિગતો ક્યારેય શેર કરશો નહીં.