નવી દિલ્હીઃ મુંબઈ પોલીસે ટેલીવિઝન રેટિંગ પોઇન્ટ સાથે છેડછાડ કરનારી ટોળકીનો ભાંડો ફોડયાનો દાવો કર્યો છે. જે બાદ અગ્રણી જાહેરખબરદાતા અને મીડિયા એજન્સીઓનું કહેવું છે કે તેઓ બારીકાઈથી નજર રાખી રહ્યા છે. આ સ્થિતિમાં પારલેના ઉત્પાદકોએ પારલેજી બિસ્કિટની એડ ટીવી પર નહીં આપવાનો ફેંસોલો કર્યો છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી. હાલ સોશિયલ મીડિયા ટ્વિટર પર હેશટેગ પારલેજી ટોપ-5માં ટ્રેન્ડ થઈ રહ્યું છે.


કંપનીના વરિષ્ઠ અધિકારી કૃષ્ણરાવ બુદ્ધે કહ્યું કે, કંપની સમાજમાં નફરત ફેલાવનાર કન્ટેન્ટ પ્રસારિત કરતી સમાચાર ચેનલોને વિજ્ઞાપન નહીં આપે. અમે એવી સંભાવના શોધી રહ્યા છીએ, જેમાં તમામ વિજ્ઞાપનદાતા એક સાથે આવે અને સમાચાર ચેનલો પર વિજ્ઞાપન આપવાના ખર્ચ પર નિયંત્રણ મુકે. તેનાથી સમાચાર ચેનલોને સ્પષ્ટ સંકેત મળશે કે કન્ટેન્ટમાં બદલાવ લાવવો પડશે. તેમણે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે, ઝેર ફેલાવતી કંપનીઓ અને ચેનલ્સ પર તેઓ પૈસા ખર્ચા કરવા માગતા નથી.

પારલેજી પહેલા જાણીતા ઉદ્યોગપતિ અને બજાજા ઓટોના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ બજાજે કહ્યું હતું કે, તેમની કંપનીએ ત્રણ ન્યૂઝ ચેનલોને બ્લેકલિસ્ટ કરી દીધી છે. તેમણે કહ્યું હતું, એક મજબૂત બ્રાંડ એવો પાયો છે જેના પર તમે વ્યવસાયનું સામ્રાજ્ય ઉભું કરી શકો છો.