નવી દિલ્હી: પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક એટલે PMC બેન્કના ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકો પાસે બેન્કમાંથી રોકડ ઉપાડવાની સીમા વધારી 50,000 રૂપિયા કરી છે. આરબીઆઈએ ટ્વીટ કરી તેની જાણકારી આપી હતી.


આ પહેલા 23 ઓક્ટોબરે PMC બેન્કના ખાતાધારકોને થોડી રાહત મળી હતી. ખાતાધારકોને નક્કી કરેલી સીમા કરતા 50 હજાર વધારે ઉપાડવાની છૂટ આપવામાં આવી હતી. ત્યાં સુધી પીએમસી બેન્કના ખાતાધારકોને 6 મહિનામાં 40 હજાર રૂપિયા સુધી ઉપાડવાની છૂટ મળી હતી. 50 હજારની આ છૂટ 40 હજાર ઉપાડવા છતાં આપવામાં આવી છે. શરત એટલી હતી કે સારવાર, અભ્યાસ માટે રોકડ ઉપાડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બરના આરબીઆઈએ નિર્દેશ આપ્યા હતા કે પીએમસી બેંકના ગ્રાહકો રોજના પોતાના ખાતામાંથી 1 હજાર રૂપિયા કરતા વધારે નહી ઉપાડી શકે. આરબીઆઈના આ નિર્દેશ બાદ બેંક ડૂબમાં હોવાની અટકળો વહેતી થઈ હતી. 26 સપ્ટેમ્બરે બેંકે ગ્રાહકોને રકમ ઉપાડવાની સીમા વધારી હતી. આરબીઆઈએ તેને વધારી 10 હજાર કરી હતી. ત્યારબાદ આરબીઆઈએ બેંકમાંથી ગ્રાહકોને રોકડ ઉપાડવાની સીમા 25 હજાર કરી હતી. જ્યારે 14 ઓક્ટોબર 2019ના આરબીઆઈએ બેંકના ગ્રાહકો માટે રોકડ ઉપાડવાની સીમા 25 હજારથી વધારીને 40 હજાર કરી હતી.