નવી દિલ્હીઃ બ્રિટેની એક કોર્ટે શુક્રવારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને એક કેસમાં જમા રકમના મુદ્દે છ સપ્તાહની અંદર 100 મિલિયન ડોલર જમા કરાવવાના આદેશ આપ્યા. ચીનની ત્રણ બેંક ડિફોલ્ટ લોન તરીકે હજારો અનેક મિલિય ડોલરની માગ કરી રહી છે. જણાવીએ કે, અંબાણીના વકીલોએ પહેલા કહ્યું હતું કે તેમની પાસે જમા રકમ ચૂકવવા માટે રૂપિયા નથી.


અનિલ અંબાણીના વકીલે બ્રિટનની કોર્ટમાં કહ્યું કે, અનિલ અંબાણી એક સમયે ધનાઢ્ય હતા, પરંતુ હવે નથી. ચીનની એક અગ્રણી બેંક દ્વારા 68 કરોડ ડોલર (અંદાજે 4700 કરોડ રૂપિયા)ના દાવા પર સુનાવણી દરમિયાન વકીલે કોર્ટને કહ્યું કે, ભારતના ટેલીકોમ ઉદ્યોગમાં ઉથલ પુથલ થવાને કારણે અનિલ અંબાણીને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે.



ચીનની ત્રણ બેંકોએ અનિલ અંબાણીની સામે 680 મિલિયન ડોલર (લગભગ 4,760 કરોડ) રૂપિયાની લોન ન ચૂકવવા મામલે લંડનની કોર્ટમાં કેસ કર્યો છે. ત્રણે બેંકોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનને 925.20 મિલિયન ડોલર (લગભગ 6,475 કરોડ રૂપિય)ની લોન આપી હતી. એ સમયે અનિલ અંબાણીએ કહ્યું હતું કે, તેઓ આ લોનની પર્સનલ ગેરંટી આપે છે, પરંતુ ફેબ્રુઆરી 2017 પછી કંપની લોન ચૂકવવામાં ડિફોલ્ટ થઈ ગઈ.

આ મામલે અનિલ અંબાણીનું કહેવું છે કે, તેમણે પર્સનલ કન્ફર્ટ લેટર આપવાની વાત કરી હતી, પરંતુ અંગત સંપત્તિને ગેરંટી બનાવવાની વાત ક્યારેય નથી કરી.