નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે કોર્પોરેટર ટેક્સમાં ઘટાડો કરવાના સરકારના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે, આ નિર્ણયનું રોકાણ પર સકારાત્મક અસર પડશે. જોકે, સાથે એમ પણ કહ્યું કે, ભારતને આર્થિક એકીકરણની દિશામાં આગળ વધતા રહેવુ પડશે અને  લોંગ  ટર્મમાં આર્થિક સ્થિતિમાં સ્થિરતા હાંસલ કરવી પડશે. બીજી તરફ તાજેતરમાં જ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ કહ્યું કે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનો લાભ નહી થાય.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આઇએમએફના ડાયરેક્ટર (એશિયા એન્ડ પેસિફિક ડિપાર્ટમેન્ટ) ચાંગયોંગ હીએ કહ્યુ કે, અમે માનીએ છીએ કે ભારત પાસે હાલમાં ખાદ્ય સ્પેસ સીમિત છે એટલા માટે તેણે સાવધાન રહેવાની જરૂર છે. અમે તેના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાના નિર્ણયનું સમર્થન કરીએ છીએ કારણ કે તેનું રોકાણ પર સકારાત્મક અસર પડશે.

ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 5 ટકાથી ઘટ્યા બાદ સરકારે ગ્રોથ અને રોકાણમાં વધારો કરવા માટે કોર્પોરેટર ટેક્સમાં ઘટાડાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક કંપનીઓ પર કોઇ પણ પ્રકારની છૂટ વિના ઇન્કમ ટેક્સ 22 ટકા હશે અને સરચાર્જ અને સેસ જોડીને 25.17 ટકા થઇ જશે. અગાઉ આ ટેક્સનો દર 30 ટકા હતો. IMFના ડાયરેક્ટરે કહ્યું કે, છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં મંદી નોંધાયા બાદ ભારતીય અર્થવ્યવસ્થા માટે ચાલુ નાણાકીય વર્ષનો અંદાજીત ગ્રોથ રેટ 6.1 ટકા છે. 2020માં ઝડપ વધીને 7 ટકા થઇ શકે છે.