જો તમારું અથવા પરિવારના કોઈ સભ્યનું પંજાબ નેશનલ બેન્ક (PNB)માં સેવિંગ એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે છે. દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્કે જૂનમાં તમામ ગ્રાહકોને મહત્વપૂર્ણ માહિતી આપી હતી.






બેન્કે કહ્યું હતું કે તે 1 જૂલાઈથી કેટલાક બચત ખાતા બંધ કરશે. એક જૂલાઇ એટલે કે આજે ઘણા PNB સેવિંગ એકાઉન્ટ બંધ થઈ ગયા છે.


આ બચત ખાતાઓ બંધ કરાશે.


બેન્કે કહ્યું હતું કે ઘણા સેવિંગ એકાઉન્ટ્સમાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું. આવી સ્થિતિમાં બેન્કે તે ખાતા બંધ કરી દીધા જે છેલ્લા 3 વર્ષથી એક્ટિવ નથી. આનો અર્થ એ થયો કે બેન્કે એવા બેન્ક ખાતાઓ બંધ કરી દીધા છે જેમાં ઝીરો બેલેન્સ છે અથવા તો ત્રણ વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું.


બેન્કે સુરક્ષા જોખમ ટાળવા માટે આ નિર્ણય લીધો હતો. ઘણી વખત છેતરપિંડી કરનારાઓ છેતરપિંડી માટે સમાન એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં પીએનબીએ બેન્કિંગ ફ્રોડ ઘટાડવા માટે આ પગલું ભર્યું છે.


આ એકાઉન્ટ્સ નહી થાય બંધ


બેન્કે સ્પષ્ટ કર્યું છે કે જે બચત ખાતા કોઈપણ ડીમેટ ખાતા અથવા લોકર સાથે જોડાયેલા છે તેને બંધ કરવામાં આવશે નહીં. આ સિવાય વિદ્યાર્થીઓ અને સગીરોના ખાતા પણ બંધ કરવામાં આવશે નહીં.PMJJBY, PMSBY, SSY, APY અથવા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ જેવી સરકારી યોજનાઓ માટે જે ખાતા ખોલવામાં આવ્યા હતા તે પણ એક્ટિવ રહેશે. જો કોઈ બચત ખાતું કોર્ટ, ટેક્સ ડિપાર્ટમેન્ટ કે કોઈ ઓથોરિટી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હોય તો તેને પણ બંધ કરવામાં આવશે નહીં.


એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે શું કરવું


જો તમારું બચત ખાતું બંધ થઈ જાય છે અને તમે તેને ફરીથી એક્ટિવ કરવા માંગો છો, તો તમારે શક્ય તેટલી વહેલી તકે તમારી બેન્ક શાખામાં જવું પડશે. અહીં તમારે તમારા બેન્ક એકાઉન્ટનું KYC કરાવવું પડશે અને KYC સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા પડશે.


કેવાયસી માટે ખાતાધારકે પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જેવા આઈડી પ્રૂફ આપવા પડશે. આ સિવાય એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટની કોપી પણ આપવાની રહેશે.