મુંબઈ: દેશના મોટા ઉદ્યોગપતિ રતન ટાટાએ મુંબઈના 18 વર્ષના એક યુવકની દવા વેચાણ કરનારી કંપની જેનરિક આધારમાં 50 ટકા હિસ્સો ખરીદ્યો છે. જેનરિક આધાર બજાર ભાવની તુલનામાં દુકાનદારોને સસ્તા દરે દવાનું વેચાણ કરે છે. માત્ર 16 વર્ષની ઉંમરમાં દેશપાંડેએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. જેમાં હવે રતન ટાટા 50 ટકાના ભાગીદાર બન્યા છે. દેશપાંડે કરારની રકમનો ખુલાસો નથી કર્યો. તેમણે કહ્યું બિઝનેસ ટાયકૂન 3-4 મહિના પહેલાથી જ તેમના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા હતા. રતન ટાટાને પાર્ટનર બનવામાં રસ હતો અને માર્ગદર્શક બની બિઝનેસ ચલાવવા માંગતા હતા.


દેશપાંડેએ ઈંગ્લિશ વેબસાઈટ બિઝનેસ ટુડેને જણાવ્યું, 'સર રતન ટાટાએ બે દિવસ પહેલા જેનરિક આધારમાં 50 ટકા હિસ્સો ખરીદ્યો અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.'

મીડિયા રિપોર્ટ અનુસાર, રતન ટાટાએ આ કંપનીમાં રોકાણ કર્યું છે. આ હિસ્સેદારીને ટાટા ગ્રુપ સાથે કોઈ લેવા-દેવા નથી. રતન ટાટા આ પહેલા પણ ઘણા સ્ટાર્ટઅપમાં રોકાણ કરી ચૂક્યા છે, જેમાં Ola, ક્યોરફિ,અર્બન લૈડર, Paytm, સ્નેપડીલ, લેન્સકાર્ટ અને Lybrate સામેલ છે.

દેશપાંડેએ બે વર્ષ પહેલા જેનરિક આધાર કંપનીની શરૂઆત કરી હતી. કંપની વાર્ષિક 6 કરોડ રૂપિયા રેવન્યૂનો દાવો કરે છે. આ સ્ટાર્ટઅપ યૂનિક ફાર્મસી-એગ્રીગેટર બિઝનેસ મોડલને ફોલો કરે છે. કંપની નિર્માતાઓ પાસેથી સીધા જેનેરિક દવાઓ ખરીદે છે અને રિટેલ ફાર્મસિને વેચે છે. આ કારણે રિટેલ ફાર્મસીને 16-20 ટકા માર્ઝીન બચી જાય છે, જે જથ્થાબંધ વેપારીઓ કમાય છે.