નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે આર્થિક મોર્ચે ઉભા થયેલ પડકાર માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે મોટી જાહેરાત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે રેપો રેટ 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 5.15થી ઘટીને 4.4 ટકા કરવામાં આવ્યો છે.


જણાવીએ કે રેપો રેટ એ હોય છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે માટે રેપો રેટમાં ઘટાડો થવાથી બેંકોને લોન સસ્તામાં મળશે અને તેના કારણે લોન લેનાર લોકોની ઈએમઆઈ પણ સસ્તી થવાની પૂરી શક્યતા છે.

રિવર્સ રેપો રેટમાં પણ 0.90 ટકાનો ઘટાડો

ઉપરાંત આરબીઆઈએ રિવર્સ રેપો રેટમાં પણ 90 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે જે હવે 4.9 ટકાથી ઘટીને 4 ટકા થઈ જશે.

કેશ રિઝર્વ રેશિયો 1 ટકા સુધી ઘટાડ્યો - બેંકોની પાસે રહેશે વધારે રકમ

ઉપરાંત આરબીઆઈએ તમામ બેંકોને કેશ રિઝર્વ રેશિયો પણ એક ટકા એટલે કે 100 બેસિસ પોઈન્ટ ઘટાડીને 3 ટકા કરી દીધો છે. હવે આ પૂરા એક વર્ષ માટે 4 ટકાની જગ્યાએ 3 ટકા હશે. કેશ રિઝર્વ રેશિયો અંતર્ગત બેંક પોતાની જમા કેટલાક ટકા રકમ આરબીઆઈ પાસે રાખી શકે છે. તેમાં ઘટાડો થવાથી બેંકોની પાસે 1.37 લાખ કરોડ રૂપિયાની રકમ બેંકોમાં મળી જશે.

આરબીઆઈએ બેંકોને આપી સલાહ- 3 મહિના સુધી EMI લેવાનું ટાળો

આરબીઆઈએ તમામ બેંકોને સલાહ આપી છે કે તે ગ્રાહકો પાસેથી ત્રણ મહિના માટે ઈએમઆઈ લેવાનું ટાળવામાં આવે. કહેવાય છે કે આરબીઆઈની આ એડવાઈઝરીને કારણે બેંક પોતાના ગ્રાહકોને ઈએમઆઈના મોર્ચે કેટલીક રાહત આપી શકે છે. જોકે એ સ્પષ્ટ છે કે તેને લઈને આરબીઆઈએ નિર્ણય બેંકો પર છોડ્યો છે.

આરબીઆઈનું ફોકસ આર્થિક સ્થિરતા પર

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા પર કોરોના મહામારીની અસર પડી શકે છે અને દેશના અનેક સેક્ટર પર તેની નેગેટિવ અસર પડશે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પણ મંદી આવી શકે છે અને તેના કારણે આર્થિક સ્થિરતા પ્રભાવિત થઈ શકે છે.

આરબીઆઈએ કહ્યું કે, તેનું ફોકસ આર્થિક સ્થિરતા પર છે અને વિશ્વના અનેક દેશ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યા છે. ભારતમાં લોકડાઉનને કારણે આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ ગઈ છે પરંતુ આરબીઆઈનું ધ્યાન લોકોને રાહત આપવા પર છે માટે આરબીઆઈએ મોટો નિર્ણય કર્યો છે.