નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ ઉચ્ચ મૂલ્યના ચેક ક્લિયરિંગના નિયમોમાં ફેરફાર કર્યા છે. ચેક પેમેન્ટમાં ગ્રાહકોની સુરક્ષા વધારવા અને ચેક લીફ ટેમ્પરિંગને કારણે છેતરપિંડીની ઘટનાઓ ઘટાડવા માટે આરબીઆઈએ નવી સિસ્ટમ શરૂ કરી છે. આરબીઆઈએ 50 હજાર રૂપિયા કે, તેથી વધુના તમામ ચેક માટે પોઝિટિવ પે (Positive Pay) સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિસ્ટમ અંતર્ગત, ચેક આપતી વખતે તેના ગ્રાહક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ચેકની ચુકવણી માટે બેંકનો સંપર્ક કરવામાં આવશે.


પોઝિટિવ પે (Positive Pay) સીસ્ટમ હેઠળ, લાભાર્થીને ચેક સોંપતા પહેલા ખાતાધારકે આપેલ ચેકની વિગતો જેમ કે, ચેક નંબર, ચેક તારીખ, ચૂકવનારનું નામ, એકાઉન્ટ નંબર, રકમ વગેરે તેમજ ચેકની આગળ અને રિવર્સ બાજુનો પણ ફોટો મોકલવો પડશે. જ્યારે લાભાર્થી ચેકને ઈનકેશ કરવા માટે જમા કરાવશે તો બેંક પોઝિટિવ પે મારફતે પ્રદાન કરવામાં આવેલી ચેક ડિટેલ્સની તુલના કરશે. જો બંને માહિતી સરખી હશે તો જ ચેક ક્લિયર થશે.

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી છ સભ્યોની મોનિટરી પોલિસી સમિતિએ આ વખતે વ્યાજદરોમાં કોઇપણ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ વર્ષના કિસ્સામાં રિઝર્વ બેંકે લોકડાઉનને ધ્યાનમાં રાખીને વ્યાજ દરમાં 1.15 ટકાનો 2 વખત ઘટાડો કર્યો છે.