નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે મૌદ્રિક સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના બીજા કાર્યકાળમાં આરબીઆઈની પ્રથમ મૌદ્રિક સમીક્ષા બેઠક હતી. રેપો રેટમાં ઘટાડો થવાથી લોન લેવી વધુ સસ્તી થશે. રેપો રેટ 6.0%થી ઘટીને 5.75%, રિવર્સ રેપો રેટ 5.75%થી ઘટીને 5.50% કરવામાં આવ્યો છે. 2018-19ના ચોથા ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિ દર પાંચ વર્ષના નીચલા સ્તર પર આવી ગયો છે. જેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.


લોનધારકોને ફાયદો

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ બેંકો પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ બનશે. વ્યાજ દર ઘટવાથી હોમ લોન, ઓટો લોનનો ઈએમઆઈ ભરતાં લોકોને ફાયદો થશે. ઉપરાંત બેંકમાંથી નવી લોન લેવાની સ્થિતિમાં પણ પહેલાની તુલનામાં વધારે રાહત મળશે.


રિઝર્વ બેંકના ઈતિહાસમાં પ્રથમ વખત આરબીઆઈ ગવર્નરની નિમણૂક બાદ સતત ત્રીજી વખથ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ઉર્જિત પટેલે રાજીનામું આપ્યા બાદ શક્તિકાંત દાસની આરબીઈ ગર્વનર તરીકે વરણી કરવામાં આવી હતી.


ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતાં લોકો માટે ખુશખબર

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં લોકોને આરબીઆઈએ ખુશખબરી આપી છે. રિઝર્વ બેંકે RTGS અને NEFT ટ્રાન્ઝેક્શન પર લેવામાં આવતો ચાર્જ હટાવી દીધો છે. હવે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે કોઇ પ્રકારનો ચાર્જ આપવો નહીં પડે. ATM ઈન્ટરચેંજ ચાર્જને લઈ એક કમિટી બનાવવામાં આવશે. જેનું નેતૃત્વ IBAના CEO કરશે.

GDPનો અંદાજ ઘટાડ્યો

આ દરમિયાન રિઝર્વ બેંકે જીડીપીનો અંદાજ પણ ઘટાડ્યો છે. રિઝર્વ બેંક મુજબ જીડીપી ગ્રોથ રેટ 7 ટકા રહેવાનો અંદાજ છે. આ પહેલા આરબીઆઈએ 7.2 ટકાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય બેંકે 2019-20ના પ્રથમ છ માસ માટે મોંઘવારી દર 3 થી 3.1 ટકા સુધી રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.