RBI Monetary Policy: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેપો રેટમાં કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એમએસએફ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ કોઈ ફેરફાર વગર 4 ટકા રહેશે. MSF રેટ અને બેંક રેટ 4.25 ટકા કોઈપણ ફેરફાર વગર રહેશે. તે જ સમયે, રિવર્સ રેપો રેટ પણ કોઈપણ ફેરફાર વગર 3.35 ટકા પર રહેશે. આ કારણે, EMI માં પણ કોઈ ફેરફાર થશે નહીં.
જીડીપી વૃદ્ધિ દર 9.5 ટકા રહેવાનો અંદાજ છે
આરબીઆઈના (RBI) ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતું કે, “નાણાકીય નીતિ સમિતિએ નાણાકીય નીતિ પર ઉદાર વલણ જાળવવાનો નિર્ણય કર્યો છે. અમારા પગલાનો ઉદ્દેશ વિકાસને વેગ આપવાનો અને અર્થતંત્રમાં કટોકટીને દૂર કરવાનો છે. RBI એ ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.
રસીકરણની ગતિ સાથે આર્થિક પ્રવૃત્તિઓ વધશે: RBI
તેમણે કહ્યું, “કોવિડ -19 રોગચાળાની બીજી લહેરને કારણે અર્થતંત્ર આંચકામાંથી બહાર આવી રહ્યું છે, રસીકરણની ગતિ સાથે આર્થિક પ્રવૃત્તિઓ વધશે. અર્થતંત્રમાં પુરવઠા-માંગ સંતુલન ફરીથી યથાસ્થિતિમાં લાવવા માટે ઘણું કરવાની જરૂર છે.”
રેપો રેટ શું છે?
રેપો રેટ એ દર છે કે જેના પર RBI જરૂર પડે ત્યારે વ્યાપારી બેંકોને ધિરાણ આપે છે અને RBI તેનો ઉપયોગ ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરે છે. બીજી બાજુ, રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકો પાસેથી ઉધાર લે છે. તે જ સમયે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોરોના મહામારીને કારણે કથળેલી અર્થવ્યવસ્થામાં અપેક્ષા કરતા વધુ સારી ગતિ જોવા મળી રહી છે.