નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલીસી બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈએ વ્યાજ દરમાં 35 બેસિસ પોઈન્ટ એટલે કે 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. આરબીઆઈના આ નિર્ણય બાદ બેંકો પર વ્યાજ દરમાં ઘટાડો કરવાનું દબાણ વધશે.

આરબીઆઈએ છેલ્લા ત્રણ મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટમાં ક્રમશઃ 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. એટલે કે ઓગસ્ટમાં ચોથી વખત આરબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ગવર્નરની નિમણૂક બાદથી સતત ચોખી વખત રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોય. જણાવીએ કે, વર્ષ 2018ના ડિસેમ્બર મહિનામાં ઉર્જિત પટેલે રાજીનામું આપ્યા બાદ શક્તિકાંત દાસની ગવર્નર તરીકે નિમણૂક થઈ હતી. ત્યાર બાદથી અત્યાર સુધીમાં ચાર વખત આરબીઆઈની મીટિંગ મળી છે.

આરબીઆઈના આ નિર્ણય લાભ એવા લોકોને મળશે જેમણે હોમ કે ઓટોલ લોન લઈ રાખી છે. આરબીઆઈના રેપો રેટ ઘટાડા બાદ બેંકો પર વ્યાજ દરમાં ઘટાડો કરવાનું દબાણ વધશે. જણાવીએ કે આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાં છતાં બેંકોએ ગ્રાહકોને ધારણા પ્રમાણે વ્યાજ દરમાં ઘટાડાનો લાભ  પહોંચાડ્યો નથી. આ જ કારણ છે કે હાલમાં જ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બેંકોને રેપો રેટમાં ઘટાડાનો લાભ લોનધારકો સુધી પહોંચાડવા માટે કહ્યું હતું.