નવી દિલ્હીઃ આગામી દિવસોમાં નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં બદલાવ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકે નાણા મંત્રાલયને નાની બચત યોજનાઓના વ્યાજ દરો એક સમાન હોય તેવી સલાહ આપી છે. જો આ સલાહનો સ્વીકાર કરવામાં આવશે તો નાની બચત યોજનાઓના વ્યાજ દર પહેલા કરતાં ઘટી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આરબીઆઈ મંત્રાલયને નાની બચત યોજનાઓના વ્યાજ દર એક સમાન કરવાની જરૂરિયાત જણાવી છે. કેન્દ્રીય બેંકે સરકારને આ અંગે બેંકોની પ્રતિક્રિયાથી માહિતગાર કરી છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક માટે નાની બચત યોજનાના વ્યાજ દરની જાહેરાત થવાની છે તેવા જ સમયે આરબીઆઈએ આ સૂચન કર્યુ છે. આગામી ત્રિમાસિક માટે વ્યાજ દરોની જાહેરાત 31 ડિસેમ્બર સુધીમાં થઈ શકે છે.

નાની બચત યોજનાઓ પર દર ત્રિમાસિક માટે વ્યાજ દરોમાં બદલાવ કરવામાં આવે છે. જો તેમાં કોઈ બદલાવ ન કરવામાં આવે તો મંત્રાલય વર્તમાન દરોને જાળવી રાખે છે. નાની બચત યોજનામાં રોકાણથી કોઈપણ જોખમ વગર રિટર્ન મળે છે. PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ, પોસ્ટ ઓફિસ આરડી અને નેશનલ  સેવિંગ સર્ટિફિકેટ જેવી યોજનાઓ આમાં સામેલ છે.


વાંચોઃ રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડેની ટિકિટનું ક્યારે શરૂ થશે બુકિંગ ? કેટલો છે ટિકિટનો ભાવ, જાણો વિગતે

હાલ પીપીએફ પર 7.9%,  સુકન્યા સમૃદ્ધિ યોજના પર  8.50% અને પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ પર 7.3% વ્યાજ દર મળે છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ આરડી પર 7.20 ટકા અને કિસાન વિકાસ પત્ર પર 7.60 ટકા વ્યાજ મળે છે. ફિકસ્ટ ડિપોઝિટના વ્યાજદરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે.