આજે ભારતીય રિઝર્વ બેન્કે તેની મોનેટરી પોલિસીમાં ડિજિટલ એપ લોનને લઈને મોટી જાહેરાત કરી છે. રિઝર્વ બેન્કે નકલી ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મને રોકવા માટે એક પબ્લિક રેપોસ્ટરી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.  ડિજિટલ લોન એપ્સનું વધુ સારું મોનિટરિંગ સુનિશ્ચિત કરવા માટે આ નિયમનકારી સંસ્થાએ તેનો રિપોર્ટ આરબીઆઈને સબમિટ કરવો પડશે.


વધુમાં UPI-આધારિત ટેક્સ પેમેન્ટ માટેની ટ્રાન્જેક્શન મર્યાદા પ્રતિ ટ્રાન્જેક્શન 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય આરબીઆઈ ગવર્નરે કહ્યું કે હોમ લોન કંપનીઓ નિયમોની અવગણના કરી રહી છે અને આવી સ્થિતિમાં આ નિયમોના ઉલ્લંઘનને રોકવું જરૂરી છે.


ભારતનું નાણાકીય બજાર મજબૂત છે


નાણાકીય નીતિમાં આરબીઆઈ ગવર્નરે દેશના નાણાકીય ક્ષેત્રને મજબૂત ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશનું નાણાકીય બજાર સ્થિર છે. જો કે, તેમણે હજુ પણ બેન્કો અને NBFC ને વધુ સુધારા માટે નવા પગલાં લેવાની સલાહ આપી હતી.


બેન્કોએ ડિપોઝીટ પર ધ્યાન આપવું જોઈએ


ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બેન્કોને તેમની બચત યોજનાઓમાં થાપણોને વધુ વધારવા માટે નવી વ્યૂહરચના અપનાવવા કહ્યું છે. તેમણે કહ્યું કે રોકાણકારો બેન્કોમાં પૈસા જમા કરાવતા નથી કારણ કે તેમની પાસે રોકાણના અન્ય વિકલ્પો છે. આવી સ્થિતિમાં બેન્કો માટે થાપણો સુરક્ષિત કરવી પડકારરૂપ બની ગઈ છે. આવી સ્થિતિમાં બેન્કોને લિક્વિડિટી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.


RBI ગવર્નરે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CICs) ને રિપોર્ટિંગ કરવાની સમય મર્યાદા ઘટાડવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આનો અર્થ એ છે કે નાણાકીય સંસ્થાઓએ તેમના ગ્રાહકોની ક્રેડિટ માહિતી વધુ ઝડપથી અપડેટ કરવી પડશે. આ પગલું ગ્રાહકોના ક્રેડિટ સ્કોરને વધુ રીઅલ-ટાઇમ રીતે જાળવી રાખવામાં મદદ કરશે અને તેમને તેમની નાણાકીય પરિસ્થિતિની વધુ સારી સમજ આપશે.


આરબીઆઈ ગવર્નરે યુપીઆઈમાં ડેલિગેટેડ પેમેન્ટની સુવિધા પણ રજૂ કરવાની દરખાસ્ત કરી છે. આનો અર્થ એ છે કે યુઝર્સ તેમના UPI એકાઉન્ટમાંથી ચુકવણી કરવા માટે અન્ય વ્યક્તિને અધિકાર આપી શકશે. આ સુવિધા ખાસ કરીને બિઝનેસ અને ફેમિલી ટ્રાન્જેક્શન માટે ઉપયોગી થશે, જ્યાં ઘણી વખત એક જ ખાતામાંથી અલગ-અલગ લોકોને ચૂકવણી કરવી પડે છે.