Retail Inflation Data For May 2023: મોંઘવારીથી પીડાતા લોકોને વધુ એક મોટી રાહત મળી છે. છૂટક ફુગાવો ફરી નીચે આવ્યો છે. તેવી જ રીતે ખાદ્ય મોંઘવારી દરમાં પણ ઘટાડો નોંધાયો છે. આ સાથે જ લોન સસ્તી થવાનો માર્ગ મોકળો થયો છે.
છૂટક ફુગાવો મે મહિના માટે રિટેલ મોંઘવારી દર ઘટીને 4.25 ટકા પર આવી ગયો છે જે એપ્રિલમાં 4.70 ટકા હતો. આ સતત ચોથો મહિનો છે જ્યારે રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે મે 2022માં રિટેલ ફુગાવાનો દર 7.04 ટકા હતો.
તેવી જ રીતે ખાદ્ય મોંઘવારી દરમાં પણ મોટો ઘટાડો થયો છે અને તે 3 ટકાની નીચે પહોંચી ગયો છે. ખાદ્ય ફુગાવો એપ્રિલ 2023માં 3.84 ટકાથી ઘટીને મે મહિનામાં 2.91 ટકા થયો હતો. જ્યારે મે 2022માં ખાદ્ય ફુગાવાનો દર 7.97 હતો.
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023-24 માટે રિટેલ ફુગાવાનો દર 5.1 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં તે 4.6 ટકા રહેવાનો અંદાજ છે.
દૂધની મોંઘવારીમાંથી રાહત નહીં!
મે મહિનામાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો હોવા છતાં, દૂધ અને તેની સાથે સંબંધિત ઉત્પાદનોના ભાવ હજુ પણ 8.91 ટકા પર યથાવત છે. એપ્રિલ 2023ની સરખામણીએ દૂધના ભાવમાં વધારો થયો છે. એપ્રિલમાં દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર 8.85 ટકા હતો. ખાદ્ય અનાજ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 12.65 ટકા છે, જે એપ્રિલમાં 13.67 ટકા હતો. મસાલામાં ફુગાવો વધીને 17.90 ટકા થયો છે જે એપ્રિલમાં 17.43 ટકા હતો. કઠોળનો ફુગાવો 6.56 ટકા રહ્યો છે જે એપ્રિલમાં 5.28 ટકા હતો.
ખાદ્યતેલની મોંઘવારીમાંથી રાહત
જોકે, આ સમયગાળા દરમિયાન તેલ અને ચરબીનો ફુગાવાનો દર -16.01 ટકા રહ્યો છે. લીલોતરી-શાકભાજીનો મોંઘવારી દર -8.18 ટકા, માંસ અને માછલીનો મોંઘવારી દર -1.29 ટકા, ખાંડનો મોંઘવારી દર 2.51 ટકા રહ્યો છે.
મોંઘી EMIમાંથી મળશે રાહત!
રિટેલ ફુગાવામાં ઘટાડો મોંઘી EMIથી પરેશાન લોકોને મહત્તમ રાહત આપી શકે છે. આગામી દિવસોમાં સસ્તી લોન મળવાની આશા વધી છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023-24 માટે રિટેલ ફુગાવાનો દર 5.1 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં તે 4.6 ટકા રહેવાનો અંદાજ છે. પરંતુ મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 4 ટકાની નજીક પહોંચી ગયો છે. અને જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ઓગસ્ટ 2023માં જ્યારે RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક મળશે ત્યારે રાહતની આશા રાખી શકાય છે.