દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પોતાના ગ્રાહકો માટે ગોલ્ડ લોનની ખાસ ઓફર લઈને આવી છે. તે અંતર્ગત બેંક હાલમાં ગોલ્ડ લોનને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઓફર આપી રહી છે. જણાવીએ કે, એસબીઆઈએ ચાલુ નાણાંકીય વર્ષમાં ઉત્તર પ્રદેશમાં 550 કરોડ રૂપિયાની ગોલ્ડ લોન આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. જ્યારે આ વર્ષે બેંક દ્વારા 300 કરોડ રૂપિયાથી વધારેની ગોલ્ડ લોન આપવામાં આવી છે.


SBIની ગોલ્ડ લોનડ પર વ્યાજ દર સૌથી ઓછા

એસબીઆઈનું કહેવું છે કે, એસબીઆઈ ગોલ્ડ લોન પર વ્યાજ દર સમગ્ર માર્કેટમાં સૌથી ઓછા એટલે કે 7.5 ટકા છે. આ જ કારણે એસબીઆઈ ગોલ્ડ લોન સ્કીમની બજારમાં હિસ્સેદારી ઝડપથી વધી રહી છે. કહેવાય છે કે, સમગ્ર દેશમાં ગોલ્ડ લોનનું માર્કેટ 2 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે એસબીઆઈની કાર લોન અને હોમ લોનમાં હિસ્સેદારી 33 ટકા છે. જ્યારે ગોલ્ડ લોનમાં બે ટક્કા હિસ્સેદારી પણ નથી. બેંકે વિતેલા જુલાઈ મહિનાથી જ ગોલ્ડ લોન કારોબાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

SBIએ ‘ચલો ગાંવ કી ઔર’ યોજના શરૂ કરી

આ જાણકારી પણ આપવામાં આવી છે કે એસબીઆઈએ ગામડા અને અંતરિયાળ વિસ્તારમાં લોકો માટે ‘ચલો ગાંવ કી ઔર’યોજના શરૂ કરી છે. આ સ્કીમ અંતર્ગત તમામ મોટા અધિકારીઓને અલગ અલગ ગામડા સાથે જોડવામાં આવશે જે ગામમાં જઈને ખેડૂતો, નાના ઉદ્યમિઓની નાણાંકીય જરૂરતોને સમજશે અને તેને પૂરી કરવાના શક્ય તમામ પ્રયત્ન કરશે. ઉપરાંત લોકોની ફરિયાદો અને સૂચનો માટે પણ એસબીઆઈ દ્વારા ચાર અલગ અલગ ફોન નંબર ચાલુ કરવાની તૈયારી છે.