આજે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ બપોરે 2.20 વાગ્યે 2000 પોઈન્ટથી વધુ ઘટીને 55,230 પર આવી ગયો છે. બીજી તરફ, નિફ્ટી પણ લગભગ 603 પોઈન્ટના ઘટાડા સાથે 16,459ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.
બેન્કિંગ શેરોમાં ધબડકો થયો છે. બીજી તરફ આજે સોનામાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. તે 52 હજારની નજીક પહોંચી ગયો છે. આ સિવાય ક્રૂડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. અગાઉ આવું 2014માં ક્રૂડ 100 ડોલર નજીક પહોંચ્યું હતું.
આજે સેન્સેક્સ 1,814 પોઈન્ટ ઘટીને 55,416 પર હતો. તેણે પ્રથમ કલાકમાં 55,984 ની ઉપલી સપાટી અને 55,375 ની નીચી સપાટી બનાવી. તેના તમામ 30 શેર ઘટી રહ્યા છે.
TCS, Wipro, HCL Tech, HDFC, SBI, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, HDFC બેંક, ઇન્ફોસિસ, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, મારુતિ, ડૉ. રેડ્ડી, હિન્દુસ્તાન યુનિલિવર અને ITCના શેરોમાં 2 થી 3%નો ઘટાડો થયો છે.
સેન્સેક્સના 76 શેર અપર સર્કિટમાં અને 578 લોઅર સર્કિટમાં છે. આનો અર્થ એ છે કે તેમના શેર એક દિવસમાં ચોક્કસ મર્યાદા કરતાં વધુ ઘટી કે વધી શકતા નથી. સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાંથી 2,378 શેર ઘટયા છે અને 270 શેર લાભમાં છે. 35 શેર એક વર્ષની ટોચે અને 171 નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.
ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર કરી ગયું છે
રશિયાએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કર્યા બાદ ક્રૂડ ઓઈલ (બ્રેન્ટ ક્રૂડ)ની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગઈ છે. આ તેની 8 વર્ષની ઊંચી સપાટી છે. નિષ્ણાતોના મતે, તેની કિંમત આગામી દિવસોમાં $120 સુધી જઈ શકે છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલ 20 રૂપિયા સુધી મોંઘુ થઈ શકે છે.
સોનું 52 હજારની નજીક
આજે સોનાની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે MCX પર સોનું રૂ. 1,182ના વધારા સાથે 51,561 પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો તે રૂ. 1,583ના ઉછાળા સાથે 66,168 પર કારોબાર કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું 1,943 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે.
રૂપિયામાં મોટો ઘટાડો
આજે ડોલર સામે રૂપિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયો 55 પૈસા ઘટીને 75.16 રૂપિયા પ્રતિ ડૉલર થયો છે. આ પહેલા બુધવારે ડોલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થયો હતો.