નવી દિલ્હીઃ કોરોના મહામારીમાં સારવાર માટે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કોલેટ્રલ-ફ્રી લોન સ્કીમ લોન્ચ કરી છે. જેને કવચ પર્સનલ લોન નામ આપવામાં આવ્યું છે. તેમાં કસ્ટમરને પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તેમાં વ્યાજ દર પણ ઓછો રાખવામાં આવ્યો છે. એસબીઆઈના ચેરમેન દિનેશ ખારીએ કહ્યું કે, એસબીઆઈ આ સ્કીમ લોંચ કરીને ઘણી ખુશ છે. તેનાથી ભારતીયો પોતાની અને પરિવારના સભ્યોની કોવિડ સારવાર કરાવવામાં સક્ષમ થઈ શકશે.


કેટલા લાખની મળશે લોન


કવચ પર્સનલ લોન આપતી વખતે કોઇ પણ પ્રકારની એસેટ જમા નહીં લેવામાં આવે. સ્કીમ અંતર્ગત પાંચ લાખ રૂપિયાની લોન પાંચ વર્ષ સુધી આપવામાં આવશે. ઓછામાં ઓછી 25 હજારની રૂપિયાની લોન મળશે અને તેનો વ્યાજર 8.5 ટકા રહેશે. લોન લીધાના ત્રણ મહિના સુધી લોન મોરેટોરિયમ સમયની જોગવાઈ પણ હશે.


કોણ કરી શકશે અરજી


નોકરિયાત, વેપારી કે પેન્શનધારકો આ સ્કીમનો લાભ લઈ શકશે. કવચ પર્સનલ લોન માટે એસબીઆઈની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે. બેંકનું કહેવું છે કે તેમનો એક માત્ર હેતુ મહામારીનો સામનો કરી રહેલા લોકોની આર્થિક પરેશાની દૂર કરવાનો છે.


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કોવિડ લોન બુક અંતર્ગત એસબીઆઈએ આ સ્કીમ તૈયાર કરી છે. આરબીઆઈએ લિક્વિડિટી લોન બુક સ્કીમ અંતર્ગત ત્રણ પ્રકારની કોવિડ બુક તૈયાર કરવા માટે ત્રણ પ્રકારના સેટ બનાવવા બેંકોને કહ્યું છે. જે અંતર્ગત ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા હેલ્થકેર બિઝનેસ લોન, હેલ્થકેર ફેસિલિટી માટે લોન તથા કોવિડ સારવાર માટે અનસિક્યોર્ડ પર્સનલ લોન આપવા કહ્યું છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84,332 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,21,311 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 4002 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.



  • કુલ કેસઃ બે કરોડ 93 લાખ 59 હજાર 155

  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 79 લાખ 11 હજાર 384

  • એક્ટિવ કેસઃ 10 લાખ 80 હજાર 690

  • કુલ મૃત્યુઆંકઃ 3,67,081


દેશમાં 70 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છ. ભારતમાં સતત 30માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 24 કરોડ 96 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 33 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 62 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.