Stock Market Closing: ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ શાનદાર સાબિત થયો હતો. આજે સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 70,000ની સપાટીને પાર કર્યા બાદ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. રોકાણકારોની સંપત્તિ વધીને 355.10 લાખ કરોડ થઈ છે, જે બુધવારે 351.19 લાખ કરોડ હતી. યુએસ ફેડરલ રિઝર્વ સેન્ટ્રલે વ્યાજ દરમાં વધારો કર્યો નથી પરંતુ કહ્યું છે કે 2024માં વ્યાજ દરમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવી શકે છે. આ સમાચારને કારણે અમેરિકન શેરબજારો રેકોર્ડ હાઈ સાથે બંધ થયા હતા. જેથી તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. આઈટી બેન્કિંગ શેરોમાં મજબૂત વધારાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈએ બંધ થયા.
સેન્સેક્સ આજે 929.60 પોઇન્ટના વધારા સાથે 70,514.20 પોઇન્ટ અને નિફ્ટી 256.35 પોઇન્ટના વધારા સાથે 21182.70 પોઇન્ટ પર બંધ રહી હતી. આજે 1851 શેરમાં ઉછાળો આવ્યો હતો, જ્યારે 1363 શેર ઘટ્યા હતા અને 86 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો.
આઇટી શેરોમાં જોરદાર ઉછાળો
આજના કારોબારમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 1177 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય નિફ્ટી બેન્કિંગમાં 640 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એફએમસીજી, એનર્જી, કોમોડિટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જ્યારે હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મીડિયા સેક્ટરના શેરમાં ઘટાડો થયો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 વધ્યા અને 7 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 36 વધ્યા અને 14 નુકસાન સાથે બંધ થયા.
વધેલા-ઘટેલા શેર્સ
આજના ટ્રેડિંગમાં SAILના શેર 7.46 ટકા, Mphasis 7.23 ટકા, ઇન્ફોસિસ 7.04 ટકા, ઇન્ડસ ટાવર 7 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 6.58 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે મેક્સ ફાઇનાન્શિયલ 3.65 ટકાના ઘટાડા સાથે, ઝી એન્ટરટેઇનમેન્ટ 2.34 ટકાના ઘટાડા સાથે, બંધ થયા છે.
શેરબજારમાં શા માટે આવ્યો ઉછાળો?
- યુએસ FED એ ડિસેમ્બર પોલિસીમાં સતત ત્રીજી વખત વ્યાજ દરો સ્થિર રાખ્યા છે
- FOMC એ આવતા વર્ષે એટલે કે 2024 માં વ્યાજ દરોમાં 3 કટ કરવાનો સંકેત આપ્યો
- યુએસ બોન્ડ યીલ્ડ અને ડૉલર ઇન્ડેક્સ 4 મહિનાની નીચી સપાટીએ ગબડ્યો
- નવેમ્બરમાં FIIની ખરીદી પરત આવી, ડિસેમ્બરમાં પણ ચાલુ રહી, 13 ડિસેમ્બરે રૂ. 4711 કરોડના શેર ખરીદ્યા
- 2024માં લોકસભાની ચૂંટણી અંગેની મૂંઝવણનો લગભગ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત સાથે અંત આવ્યો.
- સ્થાનિક, ખાસ કરીને છૂટક, રોકાણકારો બજારમાં વિશ્વાસ ધરાવે છે અને ભારે ખરીદી કરી રહ્યા છે.