Stock Market Crash: શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ઘટાડાનાં કારણે રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા મિનિટોમાં ધોવાઇ ગયા હતા. શેરબજાર સવારે તેજી સાથે ખુલ્યું હતું પરંતુ વિદેશી રોકાણકારોની તીવ્ર વેચવાલીથી મિડકેપ અને સ્મોલકેપમાં હાહાકાર મચ્યો હતો. નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં 1600 અને નિફ્ટીના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 650 પોઈન્ટનો ઘટાડો થયો છે. BSE સેન્સેક્સ હાલમાં 346 પોઈન્ટ અને નિફ્ટી 151 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. વિદેશી રોકાણકારો ભારતમાંથી તેમનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે અને ચીનમાં રોકાણ કરી રહ્યા છે જેના કારણે તેઓ છેલ્લા છ સત્રોથી ભારતીય બજારમાં વેચવાલી કરી રહ્યા છે જેના કારણે બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
ચીન ભારતીય બજારોને આપી રહ્યું છે દર્દ!
સોમવાર 7 ઓક્ટોબરની સવારે ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર તેજી સાથે ઓપન થયું હતું. આઈટી બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ બજાર ખૂલ્યાના એક કલાક પછી વેચવાલી પાછી આવી અને મોટાભાગની વેચવાલી મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 2000 પોઈન્ટ્સ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 800 પોઈન્ટ્સ દિવસના ઉચ્ચ સ્તરેથી ઘટ્યા હતા. સેન્સેક્સ પણ દિવસના હાઇ લેવલથી 1000 પોઈન્ટ અને નિફ્ટીમાં 350 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. જો કે, હવે બજારમાં રિકવરી જોવા મળી હતી
રોકાણકારોના 10.50 લાખ કરોડ ધોવાયા
શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે ઘટાડાથી માર્કેટ કેપિટલાઇઝેશનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ 10.54 લાખ કરોડ રૂપિયા ઘટીને 450.35 લાખ કરોડ રૂપિયા થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં 460.89 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આજે રોકાણકારોને 10.53 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ભારતીય બજારમાં કેમ ઘટાડો નોંધાઇ રહ્યો છે
ચીનની સરકારે હાલમાં જ તેની અર્થવ્યવસ્થાને કટોકટીમાંથી ઉગારવા માટે આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર 1.4 ટ્રિલિયન ડોલરના અન્ય રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. આ કારણે ચીનના શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી વેચવાલી કરીને ચીનના શેરબજારમાં રોકાણ વધારી રહ્યા છે અને આ ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે જેના કારણે ભારતીય બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ઈઝરાયલ-ઈરાન તણાવ પણ શેરબજારના ઘટાડા પાછળ કારણભૂત છે.