ગુજરાતના ખેડૂતોએ ફરી એક વખત વાવેતરનો ટ્રેન્ડ બદલ્યો છે. થોડા વર્ષો અગાઉ ખેડૂતો કપાસનું વાવેતર છોડીને મગફળીના વાવેતર તરફ વળ્યા હતા. પરંતુ હવે માંગ વધતા ખેડૂતોએ કપાસનો વાવેતર વિસ્તાર વધાર્યો છે.


ગત વર્ષે કપાસનું વાવેતર 25.53 લાખ હેક્ટર વિસ્તારમાં થયુ હતુ. જે આ વર્ષે વધીને 27 લાખ હેક્ટર થવાની સંભાવના છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં સૌથી વધારે કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. આ બંને પાક એવા છે. જેમાંથી ખાદ્ય તેલ બને છે.


આજે સ્થિતિ એવી છે કે કપાસિયા અને મગફળીને તેલના ભાવ સરખા બન્યા છે. તો ખેડૂતોને કપાસની જે આડ પેદાશ મળે છે. તે મગફળીમાં મળતી નથી. જેના કારણે ખેડૂતો આ વર્ષે કપાસના વાવેતર તરફ વળ્યા છે.


રાજ્યમાં ખેડૂતો સામાન્ય રીતે 25.53 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ અને 16.95 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરતા હોય છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં 20.91 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ અને 17.64 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયુ છે.


રાજ્યમાં વરસાદની આગાહી


રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 204.94 મીમી એટલે કે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે.


તો આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે. ગયા વર્ષની સરખામણીમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 13 ટકા વરસાદ ઓછો વરસ્યો છે. ત્યારે રાજ્યના 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે.


તાપી જિલ્લામાં સરેરાશથી 73 ટકા જ્યારે ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. તો નવ જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે.