EMI ત્રણ મહિના નહીં ભરવાનો વિકલ્પ પસંદ કરવા જેવો નથી, જાણો વધારાનું કેટલું વ્યાજ ચૂકવવું પડશે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Mar 2020 12:02 PM (IST)
ભારતીય રિઝર્વ બેન્કે અન્ય બેન્કોને કહ્યુ હતુ કે તેઓ હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની લોન પર ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહીં ભરવાની ગ્રાહકોને છૂટ આપો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. લાખો મજૂરોએ રોજગાર ગુમાવી દીધો હોવાના કારણે પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે. તે સિવાય ધંધા બંધ હોવાના કારણે લોકોની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઇ છે. લોકોને એપ્રિલ મહિનાનો બેન્કનો હપ્તો કેવી રીતે ભરવો તેની ચિંતા સતાવી રહી છે ત્યારે લોકોને રાહત આપતા રિઝર્વ બેન્કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડ્યો છે. બાદમાં ભારતીય રિઝર્વ બેન્કે અન્ય બેન્કોને કહ્યુ હતુ કે તેઓ હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની લોન પર ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહીં ભરવાની ગ્રાહકોને છૂટ આપો. ભારતીય રિઝર્વ બેન્કની બેન્કોને આપવામાં આવેલી આ સલાહની ચારેતરફ પ્રશંસા થઇ હતી. તમામ લોકોને લાગ્યું કે બેન્કના હપ્તા ભરતા લોકો માટે આ રાહતના સમાચાર છે. વાસ્તવમાં ઈએમઆઈ ત્રણ મહિના માટે નહીં ભરવાનો નિર્ણય કરનારને આ નિર્ણય બહુ મોંઘા પડશે. ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહીં ભરનારે પ્રતિ 1000 રૂપિયાની લોન પર સરેરાશ 25 રૂપિયા વ્યાજ ભરવું પડશે. મતલબ કે એક લાખ રૂપિયાની લોન પર 2500 રૂપિયા વ્યાજ ભરવું પડશે. એ જ રીતે વ્હીકલ લોન પાંચેક લાખ રૂપિયાની હોય તો તેના માટે 12,500 વધારાના ભરવા પડશે. આ વ્યાજની રકમ જોતાં સામાન્ય લોકોએ ત્રણ મહિના સુધી ઇએમઆઇમાં છૂટનો વિકલ્પ પસંદ કર્યા જેવો નથી. નિષ્ણાંતોના મતે જો આ ત્રણ મહિનામાં કોઇ વ્યક્તિ પોતાનો બેન્ક હપ્તો ભરે નહી તો તેની પાસેથી સાધારણ દરે વ્યાજ વસૂલાશે. આ રકમ તમારે ભવિષ્યમાં બેન્કને આપવાની રહેશે એટલે કે તમને કોઇ રાહત મળી નથી. રિઝર્વ બેન્કના આ પગલાંથી જેમની આવક થઇ છે તેવા લોકોને કામચલાઉ રાહત મળશે પરંતુ જૂનથી તેમના હપ્તા અગાઉની જેમ ચાલુ થઇ જશે.