નવી દિલ્હીઃ પ્રવાસીઓને કન્ફર્મ સીટ આપવા માટે રેલવે પોતાના નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. રેલવે રાજ્યપ્રધાન મનોજ સિન્હાનું કહેવું છે કે, 2020 સુધી દરેકને સમય પર કન્ફર્મ સીટ મળી શકશે. આમ કરવું એક દિવસમાં શક્ય નથી. હાલમાં પ્રવાસીઓની સંખ્યા વધારે હોવાને કારણે કન્ફર્મ સીટ નથી મળી શકતી.
આઝાદી બાદથી રેલવેના માળખામાં નથી થયો વધારો
દેશભરમાં રોજ 66 હજાર કિલોમીટર રસ્તા પર 12 હજાર ટ્રેન દોડે છે. આઝાદી બાદથી રેલવે અવરજવર 20 ગણી વધી ગઈ છે. જ્યારે રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખામાં 2.25 ગણો જ વધારો થયો છે. સિન્હાનું કહેવું છે કે, દેશમાં કુલ 67 રેલવે માર્ગ ભીડભાડવાળા છે જેમાં અલાહબાદ-મુગલસરાય માર્ગમાં સૌથી વધારે ભીડ હોય છે.
8.5 લાખ કરોડ રૂપિયાના રોકાણની યોજના
પ્રીમિયર સેવાઓ માટે ફ્લેક્સિબલ ભાડા સિસ્ટમનો બચાવ કરતાં સિન્હાએ કહ્યું કે, આ યોજના 77 ટ્રેનોમાં લાગુ કરવામાં આવી છે. તેનાથી પ્રભાવિત લોકોની સંખ્યા 0.2 ટકાથી ઓછી છે. સિન્હાનું કહેવું છે કે, આવતા પાંચ વર્ષમાં 8.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે. મે 2014માં રેલવેનું સરેરાશ રોકાણ 48 હજાર કરોડ રૂપિયા હતું જેને વધારીને એક લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
રેલવેને દર વર્ષે 33 હજાર કરોડનું નુકસાન
સિન્હાનું કહેવું છે કે, રેલવેનો પ્રતિ કિલોમીટર ખર્ચ 70 પૈસા છે, જ્યારે તેને માત્ર 40 પૈસાની જ આવક થાય છે. રેલવેને દર વર્ષે 33 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જેને ઘટાડવા માટે કન્ઝેશન ફી જેવા ઘણાં અન્ય ચાર્જ હટાવવામાં આવ્યા છે. રેલવેની 67-68 ટકા આવકનો સ્ત્રોત ટ્રાન્સપોર્ટેશન છે. રેલવેનો ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રવાસીના કારોબારથી 51 હજાર કરોડ રૂપિયા અને માલ વહનથી 1.10 લાખ કરોડ રૂપિયાની આવકનો ટાર્ગેટ છે.