નવી દિલ્હી: 2020ના સામાન્ય બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સિતારામણે ખેડૂતો માટે પણ કેટલીક જાહેરાત કરી હતી. સિતારામણે કહ્યું હતું કે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને ધ્યાનમાં રાખીને પીએમ કુસુમ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે.


આ સ્કીમ અંતર્ગત દેશના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આશરે 20 લાખ ખેડૂતોને સોલર પંપ આપવામાં આવશે. આ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, આ પંપની મદદથી ખેડૂતોને પાણીની જે અછત રહે છે તેને પહોંચી વળવામાં લાભ મળશે.

આ ઉપરાંત નિર્મલા સીતારમણે પીપીપી મોડલના આધારે કિસાન રેલ ચલાવવાની પણ જાહેરાત કરી હતી. આ ટ્રેનનો ઉપયોગ કૃષી સામાન, ખેત પેદાશો જેવી કે દુધ, ફિશ, વગેરે વસ્તુઓને લાવવા લઈ જવા માટે કરાશે.

આ સાથે જ કૃષી ઉડાન લોંચ કરવામાં આવશે જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રૂટને આવરી લેવાશે. જૈવીક ખેતી પોર્ટલ અંતર્ગત ઓનલાઇન નેશનલ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માર્કેટને મજબુત બનાવવામાં આવશે.

નિર્મલા સિતારામને દાવો કર્યો હતો કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે અને તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારે કૃષી ક્ષેત્ર માટે 16 એક્શન પ્લાન તૈયાર કર્યા છે. આ પ્લાન 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટેનો છે. જેમાં પીએમ કુસુમ સ્કીમ, રેલ કિસાન અને કૃષી ઉડાન જેવી સ્કીમોને આવરી લેવાઇ છે.

દેવા માફી સહિતની અનેક આશા રાખી બેઠેલા ખેડૂતો માટે મોટી જાહેરાત આ બજેટમાં કરવામાં આવી નથી. નાબાર્ડ રિ-ફાઈનાન્સ સ્કીમને લંબાવવામાં આવશે. કૃષી ક્રેડિટનો ટાર્ગેટ 2020-21 માટે 15 લાખ કરોડ આંકવામાં આવ્યો છે. આ સાથે જ ખેડૂતોને 15 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનું આયોજન પણ છે.