જો એક મહિનામાં તમારો વેપાર 50 લાખથી વધુનો હશે તો હવે 1% જીએસટી રોકડામાં ભરવાનો રહેશે. નાણામંત્રાલયે નકલી ઇનવોઈસ દ્વારા થતી કરચોરી રોકવા આ પગલું ભર્યું છે. સીબીઆઈસીએ જીએસટી નિયમોમાં નિયમ 86બીનો ઉમેરો કર્યો છે. આ નિયમ ઇનપુટ ટેક્સ ક્રેડિટની મહત્તમ 99% સુધી જ વપરાયેલા જીએસટીની ચુકવણીના સેટઓફની મંજૂરી આપે છે. સીબીઆઈસીએ બુધવારે કહ્યું કે કોઈ મહિનામાં કર યોગ્ય ચીજવસ્તુનું મૂલ્ય 50 લાખથી વધુ થાય તો કોઈપણ રજિસ્ટર્ડ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝરમાં ઉપલબ્ધ રકમનો ઉપયોગ 99%થી વધુ રકમની કર ચુકવણી માટે કરી શકશે નહીં.


વેરાના નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે કલમ ૮૬ બી દાખલ કરીને અત્યાર સુધી કોઈપણ જાતના અવરોધ વિના ઉપયોગ કરી શકાતી ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઉપયોગ પર અંકુશ લગાવ્યો છે. આમ તેમની વેરો ભરવાની જવાબદારીના ૯૯ ટકા જેટલી જ ક્રેડિટનો ઉપયોગ કરવા દેવાની છૂટ આપવામાં આવી છે. સરકારે આ નિયમનો અમલ કરવામાં વાજબી ગણાય તેવા અપવાદો પણ મૂકી આપ્યા હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દુરુપયોગ કરવા પર લગામ તાણી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેનારા વેપારીઓ દ્વારા આ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

નાણાં મંત્રાલયે અને સીબીઆઈસીએ જીએસટીઆર-૧માં પણ સુધારો કર્યો છે. આ ફોર્મમાં માલના વેચાણની વિગતો ભરવામાં આવે છે. જે વેપારીઓએ જીએસટીઆર-૩બી ફાઈલ કરીને અગાઉના સમયગાળાનો ટેક્સ ન ભર્યો હોય તેમને માટે જીએસટીઆર-૧ ફાઈલ કરવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવેલી છે. અત્યાર સુધી જીએસટીઆર ૩બી ફાઈલ ન કરનારાઓને ઇ-વૅ બિલ ઇશ્યૂ કરવા પર અંકુશ લગાવવામાં આવતો હતો. હવે જીએસટીઆર-૧ પણ તેઓ ફાઈલ કરી શકશે નહિ. તેઓ જીએસટીઆર-૧ અપલોડ કરવા જશે તો તે અપલોડ જ થશે નહિ. આમ સરકાર તેમના જીએસટીઆર-૧ પણ બ્લોક કરી દેશે.

નવા નિયમ અહીં લાગુ નહીં પડે

કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર કે પાર્ટનરે 1 લાખ રૂપિયાથી વધુ રકમ આવકવેરા તરીકે આપી હોય. જીએસટીમાં રજિસ્ટર્ડ વ્યક્તિએ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ ન કર્યો હોય અને તે કારણે વિતેલા વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુની રકમનું રિફંડ મળ્યું હોય તેમને આ નિયમ લાગુ નહીં પડે.