સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેટના દરને લઈ મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે પેટ્રોલ-ડીઝલ પર રાજ્ય સરકારનો વેટનો દર ગુજરાતમાં ઓછો છે. અન્ય રાજ્યો પેટ્રોલ-ડીઝલ પર વેટનો દર ઘટાડશે ત્યારબાદ જ સરકાર વિચારશે. રાજ્યમાં છેલ્લે જૂન ૨૦૨૦માં પેટ્રોલ અને ડીઝલ પર લાગતા વેટમાં વધારો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અત્યારે પેટ્રોલ ડીઝલ પર 17 ટકા વેટ વસૂલાય છે. જ્યારે 4 ટકા સેસ વસૂલાય છે. વેટની રકમ પેટ્રોલ-ડીઝલની મૂળ કિંમતના આધારે નક્કી થતી હોય છે.
નીતિન પટેલે એવો દાવો પણ કર્યો હતો કે હાલ દેશના મોટા રાજ્યોમાં ગુજરાત પેટ્રોલ અને ડીઝલ પર સૌથી ઓછો વેટ લે છે. જેના કારણે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રમાણમાં ઓછી છે.
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૯૮.૫૯ રુપિયા પ્રતિ લિટર ચાલી રહ્યો છે. જોકે, બ્રાન્ડેડ પેટ્રોલ તો રાજ્યના તમામ શહેરોમાં ક્યારનુંય ૧૦૦ રુપિયાની સપાટી વટાવી ચૂક્યું છે. જ્યારે ડીઝલનો ભાવ ૯૬.૭૬ રુપિયા પ્રતિ લિટર છે. જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે, તેને જોતા ગણતરીના દિવસોમાં જ પેટ્રોલ સેન્ચ્યુરી મારશે તેવી શક્યતા છે. પેટ્રોલના ભાવોમાં થયેલા ભડકાને કારણે મધ્યમ વર્ગના બજેટ ખોરવાયા છે, અને તેના કારણે મોંઘવારીએ પણ માઝા મૂકી છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર