WPI Inflation Rises: કમરતોડ મોંઘવારીથી આમ આદમીને રાહત મળે તેમ લાગતું નથી. ઓક્ટોબર મહિના માટે જથ્થાબંધ મૂલ્ય આધારિત મોંઘવારી દર (WPI based inflation) 12.4 ટકા રહ્યો છે. આ દર સપ્ટેમ્બર મહિનામાં 10.66 ટકા હતો. મોંઘવારી દર 4 મહિનાની ટોચ પર પહોંચી ગયો છે. છેલ્લા સાત મહિનાથી સતત હોલસેલ મોંઘવારી દર બે આંકડા પર નોંધાયો છે. વાણિજય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
ઓક્ટોબરમાં કેમ વધી જથ્થાબંધ મોંઘવારી
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સપ્ટેમ્બરના મુકાબલે ઓક્ટોબરમાં WPI 10.6 ટકાથી વધીને 12.54 ટકા થયો છે. આ દરમિયાન ખાદ્યચીજોના સામાનનો મોંઘવારી દર 1.14 ટકાથી વધીને 3.06 ટકા થઈ ગયો છે. શાકભાજીનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ – 32.45 ટકાથી વધીને -18.49 ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટનો WPI 11.41 ટકાથી વધીને 12.04 ટકા થયો છે. ફ્યૂલ એન્ડ પાવરના જથ્થાબંધ મોંઘવારી દરમાં સૌથી મોટો વધારો થયો છે. જે 24.81 ટકાથી વધીને 37.18 ટકાના સ્તર પર પહોંચી ગયો છે. સરકારી આંકડા મુજબ ઈંધણ અને વીજળીની કિમત વધતાં જથ્થાબંધ મોંઘવારીમાં વધારો થયો છે. આ ઉપરાંત મોંઘવારીના માર માટે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સની કિંમતમાં આવેલો ઉછાળો પણ જવાબદાર છે.
શુક્રવારે રિટેલ મોંઘવારી દરના જાહેર થયેલા આંકડા પ્રમાણે, સપ્ટેમ્બર મહિનાની તુલનામાં ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી દર 4.35 ટકાથી વધીને 4.48 ટકા રહ્યો છે. આ આંકડા આરબીઆઈના મોંઘવારી દરના અંદાજ 2 થી 6 ટકાની અંદર જ છે.
ક્યારે મળશે રાહત ?
આ આંકડા ઓક્ટોબર મહિના માટે છે. દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી અને તે બાદ રાજ્યો દ્વારા ઈંધણ પર વેટ ઘટાડવાના કારણે નવેમ્બર મહિનાના મોંઘવારી દરમાં ઘટાડો થાય તેમ માનવામાં આવે છે. નવેમ્બર મહિનામાં શાકભાજીનો પૂરવઠો પણ વધી રહ્યો છે, જેના કારણે મોંઘવારી ઘટવાની આશા છે.