નવી દિલ્હીઃ પ્રાઇવેટ સેક્ટરની યસ બેન્ક હાલના દિવસોમાં ચર્ચામાં છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસથી યસ બેન્કોના શેરની કિંમત સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ ગુરુવારે અચાનક યસ બેન્કના શેરમાં 30 ટકાનો વધારો થયો હતો. આર્થિક સંકટમાં ઘેરાયેલી યસ બેન્કના શેરમાં આવેલી આ તેજીને મહત્વની માનવામાં આવી રહી છે. એવામાં સવાલ એ છે કે આખરે ગુરુવારે એવું તો શું થયું જે યસ બેન્કના શેરમાં આટલી મોટી તેજી આવી હતી.
લગભગ 15 વર્ષ અગાઉ શરૂ થયેલી યસ બેન્કમાં જે લોકોએ પણ પૈસા લગાવ્યા હતા તેમને ફક્ત 13 મહિનાની અંદર 90 ટકાથી વધુ નુકસાન થયુ છે. ઓગસ્ટ 2018માં યસ બેન્કના જે શેર 400 રૂપિયાથી વધુનો ભાવ પર વેચાઇ રહ્યો હતો તે ગયા મંગળવારે એટલે કે એક ઓક્ટોબરના રોજ ઘટીને 30 રૂપિયાના સ્તર પર આવી ગયો હતો.
ગુરુવારે અચાનક યસ બેન્કના શેરમાં 30 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. દિવસના અંતે યસ બેન્કના શેર લગભગ 33 ટકાના વધારા સાથે 42.55 રૂપિયાએ પહોંચીને બંધ થયો હતો. શેરમાં આવેલી તેજીના કારણે રોકાણકારોને 2700 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. આ સાથે યસ બેન્કની માર્કેટ કેપિટલ 10,851.66 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ હતી. આ અગાઉ મંગળવારે યસ બેન્કની માર્કેટ કેપ 8161 કરોડ રૂપિયા પહોંચી ગઇ હતી. આ સાથે ફક્ત એક જ દિવસમાં યસ બેન્કને માર્કેટ કેપ લગભગ 2700 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
વાસ્તવમાં સંકટનો સામનો કરી રહેલી યસ બેન્કને અશોક કપૂરના પરિવારને સમર્થન મળ્યું છે. યસ બેન્કને અશોક કપૂરના પરિવારનું સમર્થન મહત્વનું માનવામાં આવે છે. અશોક કપૂર યસ બેન્કના પ્રમોટર હતા. 26 નવેમ્બર 2008માં મુંબઇ આતંકી હુમલામાં તેમનું મોત થયુ હતું. ત્યારબાદ અશોકની પત્ની મધુ કપૂરે પોતાની દીકરીને બેન્કના બોર્ડમાં સામેલ કરવાની માંગ કરી હતી પરંતુ મધુ કપૂરની આ માંગ યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરે ફગાવી દીધી ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.