નવી દિલ્હીઃ ઓનલાઇન ફૂડ સર્વિસ વેબસાઇટ ઝોમેટો સાથે એકવાર ફરી ધર્મને જોડવાનો કેસ સામે આવ્યો છે. એક ગ્રાહકે ઝોમેટોના ડિલિવરી બોય પાસેથી એટલા માટે ખાવાનું ના લીધુ કારણ કે તે મુસ્લિમ હતો પરંતુ હવે ઝોમેટો તરફથી આ વ્યક્તિને જવાબ આપવામાં આવ્યો છે. ઝોમેટોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જવાબ આપ્યો હતો. બાદમાં ઝોમેટોના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે પણ જવાબ આપ્યો છે. ઝોમેટોએ લખ્યું કે, અન્નનો કોઇ ધર્મ નથી હોતો પરંતુ અન્ન એક ધર્મ છે.
તે સિવાય દીપેન્દ્ર ગોયલે ટ્વિટર પર લખ્યું કે, અમે ભારતના વિચારો અને અમારા ગ્રાહકો-પાર્ટનરોની વિવિધા પર ગર્વ કરીએ છીએ. અમારા આ મૂલ્યોના કારણે જો બિઝનેસને કોઇ પ્રકારનું નુકસાન પહોંચે છે તો એ માટે અમને દુખ નહી થાય.
ઝોમેટો અને તેના ફાઉન્ડરે જે રીતે જવાબ આપ્યો છે તેની લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરી હતી. સાથે જ પંડિત અમિત શુક્લએ આ મામલો ઉઠાવ્યો હતો. અમિત શુક્લએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફરિયાદ કરી હતી કે મે હાલમાં ઝોમેટો પર એક ઓર્ડર કેન્સલ કર્યો છે કારણ કે તેમના તરફથી નોન હિંદુ ડિલિવરી બોય મોકલવામાં આવ્યો હતો. અમિત શુક્લ તરફથી અનેક સ્ક્રીનશોર્ટ ટ્વિટર પર જાહેર કરાયા અને મામલો ઉઠાવ્યો હતો. જોકે, આ તેને ભારે પડ્યુ હતું અને તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. તેને સમાજમાં નફરત ફેલાવનારો ગણાવાયો હતો.