China Combat Drills Taiwan: ચીન લોકતાંત્રિક દેશ તાઈવાનને પોતાનો ભાગ ગણાવે છે અને પોતાના દાવાઓને મજબૂત કરવા માટે સૈન્ય, રાજકીય અને આર્થિક દબાણ કરતું રહે છે.


Taiwan China PLA:


ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ રવિવારે (8 જાન્યુઆરી)ના રોજ તાઈવાનની આસપાસના વિસ્તારોમાં યુદ્ધ અભ્યાસ હાથ ધર્યા હતા. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, તેઓએ 57 ચીની વિમાનોને તાઈવાનની સરહદ નક્કી કરતી મધ્ય રેખા પાર કરતા પકડ્યા છે. PLAએ આ અંગે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેઓએ ફક્ત  તાઈવાનની ખાડીમાં યુદ્ધની તૈયારી માટેનો અભ્યાસ કર્યો હતો.


પીપલ્સ લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે, કવાયતનો હેતુ બાહ્ય દળો અને તાઈવાનની સ્વતંત્રતાને ટેકો આપતા દળોની ઉશ્કેરણીજનક ક્રિયાઓનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરવાનો હતો. આ સાથે દેશની સેનાની સંયુક્ત ક્ષમતાઓનું પણ પરીક્ષણ કરવાનું હતું. તાઈવાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, તેના સૈન્ય દળો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે સાથે જ તેમની આ પ્રવૃત્તિઓનો જવાબ આપવા માટે એરક્રાફ્ટ, નૌકાદળના જહાજો અને મિસાઈલ સિસ્ટમને સક્રિય કરી છે.


28 વિમાનોએ તાઈવાનની સરહદમાં કરી હતી ઘૂસણખોરી:


ચીનના PLAએ એક મહિનામાં બીજી વખત તાઈવાન અને ચીન વચ્ચેના બફર ઝોનમાં યુદ્ધ અભ્યાસ હાથ ધર્યા છે. વાસ્તવમાં ચીન લોકતાંત્રિક દેશ તાઈવાનને પોતાનો હિસ્સો જણાવે છે અને પોતાના દાવાને મજબૂત કરવા માટે સૈન્ય, રાજકીય અને આર્થિક દબાણ કરી રહ્યું છે. રવિવારે તાઇવાનની આસપાસ હાથ ધરવામાં આવેલા દાવપેચમાં લગભગ 57 PLA એરક્રાફ્ટ અને 4 નેવી જહાજોની હાજરી નોંધવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 28 ચીની વિમાનોએ પણ તાઈવાનની મધ્ય રેખાને પાર કરી હતી. જેમાં ફાઈટર પ્લેન ઉપરાંત ડ્રોન અને અન્ય જાસૂસી વિમાન પણ સામેલ છે.


 ત્રણ વર્ષમાં દરિયાઈ અને હવાઈ ક્ષેત્રમાં વધાર્યા દાવપેચ:


ચીને તાઈવાનને પોતાના દેશમાં ભેળવવા માટે ક્યારેય બળનો ઉપયોગ કર્યો નથી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં  PLAએ દરિયાઈ અને હવાઈ સરહદોમાં વારંવાર લશ્કરી યુદ્ધ અભ્યાસ (દાવપેચ) કર્યા છે. ચીને ગયા મહિને પણ આવી જ કવાયત હાથ ધરી હતી. જેમાં 43 PLA એરક્રાફ્ટે તાઈવાનની મધ્ય રેખા પાર કરી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકન રાજનેતા નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત વખતે પણ ચીને આવું જ વાતાવરણ સર્જ્યું હતું.


તે જ સમયે, તાઇવાન ચીનના તમામ દાવાઓને સખત રીતે નકારીને પોતાને એક સ્વતંત્ર દેશ ગણાવે છે. તાઈવાનનું કહેવું છે કે ,આ ટાપુના માત્ર 23 મિલિયન લોકો જ તેનું ભવિષ્ય નક્કી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, તાઈવાનને અમેરિકાના સમર્થન અને હથિયારોની ખરીદી પર ચીન ગુસ્સે છે. તેવામાં, અમેરિકાના તાઇવાન સાથે કોઈ રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સમર્થન સાથે હથિયારોનો સૌથી મોટો સપ્લાયર છે.