નવી દિલ્લીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી દેશ અને દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. દેશમાં કોરોનાના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 12 લાખ નજીક પહોંચી ગઈ છે અને હાલ, ચાર લાખથી વધુ એક્ટિવ કેસો છે. ત્યારે દેશ અને દુનિયા માટે કોરોના સામેની લડાઇમાં આગામી બે મહિના સૌથી મહત્વના છે. કેમકે, કોરોના મહામારી આવ્યા પછી અમેરિકા, ભારત, રસિયા, બ્રિટન સહિત કેટલાય દેશો કોરોનાની વેક્સીન શોધવામાં લાગેલા છે અને અલગ અલગ તબક્કામાં પરીક્ષણ ચાલી રહ્યું છે. વેક્સીન તૈયાર કરવાની બાબતમાં બ્રિટન સૌથી આગળ છે.


લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. ઓક્સફર્મ યુનિવર્સિટી સાથે AstraZeneca Plc મળીને વેક્સીનનું ટ્રાયલ કરી રહી છે. ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો બધુ બરોબર રહેશે તો સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની રસી લોંચ થઈ જશે. ત્યારે દુનિયાને કોરોનાની વેક્સીનને લઈને ખૂબ જ આશા છે.

પૂરી દુનિયામાં કોરોના વાયરસની લગભગ 160 વેક્સીન પર કામ ચાલી રહ્યું છએ. જેમાંથી 138 પ્રી-ક્લિનિકલ ટ્રાયલના ફેસમાં છએ. જેમાંથી 17 પહેલા તબક્કામાં, 9 બીજા તબ્કામાં અને 3 ત્રીજા તબક્કામાં છે. જોકે, હજુ સુધી કોઈ પણ વેક્સનને મંજૂરી મળી નથી. મોટાભાગની કંપનીઓ ત્રીજા તબક્કાના ક્લીનીકલ ટ્રાયલ સુધી પહોંચી છે. ક્લીનીકલ ટ્રાયલમાં પણ ત્રણ ચરણ હોય છે. પહેલા ચરણમાં 100થી ઓછા લોકો પર ટ્રાયલ થાય છે. બીજા ચરણમાં સેંકડો અને ત્રીજા ચરણમાં હજારો લોકો પર વેક્સીનનું ટ્રાયલ થયા છે.

કોરોના મહામારીને કાણે દુનિયામાં અત્યાર સુધી દોઢ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ વાયરસની કોઇ દવા ન હોવાને કારણે દુનિયા માટે આનો ઇલાજ ગોતવો પડકાર છે. ત્યારે આ બધાની વચ્ચે દુનિયાને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે.