અમદાવાદઃ ઉના તાલુકાના દલિત યુવાનોને ઢોર માર માર્યો હોવાની ઘટના બાદ તેનો વિરોધ દર્શાવવા અમદાવાદમાં દલિત સમાજ દ્વારા રવિવારે મહાસંમેલન યોજાવાનું છે. પહેલા આ સંમેલન માટે કલેક્ટર ઓફિસની બહારની જગ્યા પોલીસ માટે માંગવામાં આવી હતી. પણ આઠેક હજાર લોકો વિવિધ જગ્યાએથી આવવાના હોવાથી રોડ પરની આ જગ્યાની પરમિશન પોલીસે આપી નથી. જેને લઇને ઝોન 2 ડીસીપી ઉષા રાડાએ આયોજનકર્તા સાથે બેઠક યોજી હતી. જેમાં તેમને ખુલ્લું મેદાન રાખવાની વાત કરતા આખરે દલિત સમાજના આ કાર્યક્રમના આયોજકો પોલીસની વાત સાથે સહમત થયા. આખરે આ મહાસંમેલન સાબરમતી ખાતે આવેલા અચેર ડેપોના મેદાનમાં યોજવા માટે રાજી થયા હતા. ત્યારે પોલીસે પણ બપોરે પોલીસ બંદોબસ્ત જાહેર કરી દીધો છે.


રવિવારે યોજાનારા દલિત મહાસંમેલનને આખરે પોલીસ મંજૂરી મળી ગઇ છે...ત્યારે સાબરમતી અચેર ડેપો ખાતે રવિવારે સવાર થી ગુજરાતનાં વિવિધ સ્થળોએ રહેતા દલિત સમાજના લોકો વિરોધ દર્શાવવા આ જગ્યાએ ઉપસ્થિત રહેશે. ત્યારે પોલીસે કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવ્યો છે તેની પર એક નજર કરીએ.

શહેરમાં કરવામાં આવેલી સુરક્ષાન વ્યવસ્થા

1 ડીસીપી 4એસીપી, 10પીઆઇ, 20 પીએસઆઇ, 5 મહિલા પીએસઆઇ, એએસઆઇ, 150 હે.કો. અને કોન્સ્ટેબલ, 25 મહિલા હે.કો. અને કોન્સ્ટેબલ, 3 એસઆરપી કંપની, 2 મહિલા એસઆરપી પ્લાટુન, 2વરૂણ, 2વજ્ર, 2 સીસીટીવી કેમેરા વાન, 4 ક્યુઆરટી, શહેરમાં કુલ 1 હજાર થી દોઢ હજાર કર્મી તૈનાત રહેશે. તેમજ ઝોન 2 મા વિવિધ સ્થળો પર 7 એસઆરપી કમ્પની પણ બંદોબસ્તમા રહેશે. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બંદોબસ્તમા રહેશે. આટલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત મહાસભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે પૂરતા પગલાં લેવાયા હોવાનો પોલીસતંત્ર દાવો કરી રહ્યું છે.