Liquor Allowed in Gift City: ગાંધીનગર ગિફ્ટ સિટીની ડિમાંડમાં રાતોરાત વધારો થયો છે. કારણ છે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં આપેલી દારૂ પીવાની છૂટ છે. છેલ્લા 48 કલાકમાં ગિફ્ટ સિટીમાં 107 લોકોએ ક્લબની મેમ્બરશીપ મેળવી છે. જેનાથી ક્લબે 7 કરોડ 49 લાખની કમાણી કરી છે. હાલમાં ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બરશીપનો ભાવ 7 લાખ રૂપિયા છે.
શક્યતા છે કે જે આગામી સમયમાં હજુ વધી શકે છે. આટલું જ નહીં રાજ્ય સરકારના નિર્ણયના કારણે ગિફ્ટ સિટી અને આસપાસની જમીનના ભાવ પણ ફરી એક વખત ઉંચકાયા છે. માહિતી પ્રમાણે રાજ્ય સરકાર આગામી બે દિવસમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અંગેના નિયમો જાહેર કરી શકે છે.
ગુજરાતમાં અત્યારે સૌથી ચર્ચિત મુદ્દો ગિફ્ટમાં અપાયેલી દારૂની છૂટછાટનો છે, રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં અમૂક નિયમોને આધીન દારૂની છૂટછાટ આપી છે, હવે આનું રિએક્શન ગિફ્ટ સિટીની પ્રૉપર્ટીમાં વધારા સાથે આવી રહ્યું છે, હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, દારૂની છૂટછાટના સમાચારોની વચ્ચે ત્યાં પ્રૉપર્ટીના ભાવમાં 10 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.
ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટ સિટી એરિયામાં રાજ્ય સરકારે થોડાક દિવસો પહેલા જ દારૂની છૂટછાટ આપી છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપ્યા બાદ હવે ત્યાં પ્રોપર્ટીના ભાવમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે, એટલું જ નહીં પ્રોપર્ટીની ઇન્કવાયારીમાં પણ 20 ટકાનો ઉછાળો આવ્યો છે. ગાંધીનગર ક્રેડાઈના પ્રમુખ કિરણ પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો કર્યો છે, તેમને કહ્યું કે, દારૂની છૂટ માત્ર ગિફ્ટ સિટીમાં CBD એરિયા પૂરતી જ છે, ગિફ્ટ સિટીના વિસ્તરણ માટે વાઈન એન્ડ ડાઈનની નથી, ફેઝ 2ના નિયમોમાં સરકારે પૂનઃ વિચારણાની જરૂર છે. ફેઝ 2માં સરકારે 7 માળની જ મંજૂરી આપી છે. ફેઝ 2માં FSI પણ ઓછી રાખી છે, કપાત અંગે પણ નક્કી કર્યું નથી. આ ત્રણ નિયમોના કારણે બિલ્ડર, ખેડૂત અને ગ્રાહક ત્રણેયને નુકશાન થશે. દારૂની છૂટનો નિર્ણય આવકાર્ય છે, નાની મોટી અડચણો દૂર થશે.
શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના આ પર્યટન સ્થળો પરથી દારુબંધી હટાવવાની કરી માંગ
હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ગિફ્ટ સિટીમાં દારુની છૂટ માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છ, ધોલેરામાં પણ દારુબંધી હટાવવાની માંગ કરી છે. શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો છે કે સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ દારુબંધી હટાવી લેશે.