Gandhinagar Gift City News: ગુજરાતમાં અત્યારે સૌથી ચર્ચિત મુદ્દો ગિફ્ટમાં અપાયેલી દારૂની છૂટછાટનો છે, રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં અમૂક નિયમોને આધીન દારૂની છૂટછાટ આપી છે, હવે આનું રિએક્શન ગિફ્ટ સિટીની પ્રૉપર્ટીમાં વધારા સાથે આવી રહ્યું છે, હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, દારૂની છૂટછાટના સમાચારોની વચ્ચે ત્યાં પ્રૉપર્ટીના ભાવમાં 10 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. 


ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટ સિટી એરિયામાં રાજ્ય સરકારે થોડાક દિવસો પહેલા જ દારૂની છૂટછાટ આપી છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપ્યા બાદ હવે ત્યાં પ્રોપર્ટીના ભાવમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે, એટલું જ નહીં પ્રોપર્ટીની ઇન્કવાયારીમાં પણ 20 ટકાનો ઉછાળો આવ્યો છે. ગાંધીનગર ક્રેડાઈના પ્રમુખ કિરણ પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો કર્યો છે, તેમને કહ્યું કે, દારૂની છૂટ માત્ર ગિફ્ટ સિટીમાં CBD એરિયા પૂરતી જ છે, ગિફ્ટ સિટીના વિસ્તરણ માટે વાઈન એન્ડ ડાઈનની નથી, ફેઝ 2ના નિયમોમાં સરકારે પૂનઃ વિચારણાની જરૂર છે. ફેઝ 2માં સરકારે 7 માળની જ મંજૂરી આપી છે. ફેઝ 2માં FSI પણ ઓછી રાખી છે, કપાત અંગે પણ નક્કી કર્યું નથી. આ ત્રણ નિયમોના કારણે બિલ્ડર, ખેડૂત અને ગ્રાહક ત્રણેયને નુકશાન થશે. દારૂની છૂટનો નિર્ણય આવકાર્ય છે, નાની મોટી અડચણો દૂર થશે.


શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના આ પર્યટન સ્થળો પરથી દારુબંધી હટાવવાની કરી માંગ, જાણો 


હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ગિફ્ટ સિટીમાં દારુની છૂટ માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ  સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છ, ધોલેરામાં પણ દારુબંધી હટાવવાની માંગ કરી છે. શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો છે કે સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ દારુબંધી હટાવી લેશે. 


સરકારે આટલા વર્ષે જે થોડી હિંમત કરી તેને અભિનંદન


પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું,  સરકારે આટલા વર્ષે જે થોડી હિંમત કરી તેને અભિનંદન આપુ છું.  હાલ જે દારૂબંધીની નીતિ છે તે દંભી નીતિ છે. ગુજરાતની ચારેય બાજુ મળે અને ગુજરાતમાં ટાઇટ કરો તે ખોટું.  સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં છૂટ આપે.  મારી માગણી છે કે મહાત્મા મંદિરમાં પણ છૂટ આપે.  ધોલેરા, કચ્છ તમામ જગ્યાએ છૂટ આપે.  આ નીતિના કારણે ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયુ છે.  શંકરસિંહ વાઘેલાએ કહ્યું માત્ર રુપિયાવાળાને દારુની છૂટ ન આપો. ચોરી છૂપીથી દારુ પીવો એની કરતા છૂટથી સારો આપો. દારુની છૂટથી વેપાર વધશે એ નીતિ ખોટી છે.  ગુજરાતમાં દારુ મળતો નથી એટલે ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધ્યો છે.  જેને પીવો છે તેને સારો દારુ મળે તેવી વ્યવસ્થા કરો. ગુજરાતથી બહાર લગ્ન કરવા જાય છે તેની પાછળ દારૂબંધી પણ એક કારણ છે. ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હોવ તો દારૂબંધી હટાવી લેવી જોઈએ. ગાંધીજીના નામે ડબલ સ્ટાન્ડર્ડના હોવા જોઈએ. આ કોઈ રાજકીય મુદ્દો નથી. દારૂની છૂટથી ઉદ્યોગો વધવાના એવું નથી, દારૂબંધી છે તો પણ ગુજરાતમાં રોકાણ આવ્યું છે. ઘણા લોકો બહેન - દીકરીઓના નામે ચર્ચા કરે છે. દિલ્હી, મુંબઈ અને કલકત્તા જેવા શહેરોમાં પણ આપની બહેન - દીકરી છે જ. દારૂનો કુટીર ઉદ્યોગ આખા ગુજરાતમાં ચાલુ કરવો જોઈએ. અત્યારે ચાલે જ છે પણ નદી કિનારે ચાલે છે. 


ફક્ત રૂપિયાવાળા લોકો માટે છુટ આપે તેવું ન હોવું જોઈએ


ફક્ત રૂપિયાવાળા લોકો માટે છુટ આપે તેવું ન હોવું જોઈએ. આદિવાસી વિસ્તારમાં પણ છૂટ આપો.  સારા ગાંધીયન લોકોને બોલાવી ચર્ચા કરી નવી નીતિ બનાવવી જોઈએ.  આવક માટે દારૂબંધી હટાવવાના મતમાં હું નથી.  પોરબંદર, વડનગર અને કરમસદમાં પણ મંજૂરી આપો. ભૂતકાળમાં કોમ્યુનાલ રાઇટ્સ થયા છે અને લઠ્ઠાકાંડ પણ થયા છે. 


ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકેરે શું કહ્યું -
ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ અંગે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, હું દારૂબંધીનો હિમાયતી છું અને રહીશ. ગિફ્ટ સિટીમાં માત્ર બહારથી આવતા લોકો માટે છૂટ અપાઈ છે. આ કોઈ નવી બાબત નથી ગુજરાતની અનેક હોટલોમાં આવી છૂટ છે.  પરમીટ ધારકો માટે ગુજરાતની અનેક હોટલમાં આ વ્યવસ્થા પહેલાથી છે, ગિફ્ટ સિટીમાં ગુજરાતીઓ માટે છૂટ આપવામાં નથી આવી. કોઈ અમદાવાદથી ગિફ્ટ સિટીમાં દારૂ પીવા આવે એવું નહીં બને. ગિફ્ટ સિટીમાં દારૂની હાટડીઓ નથી ખૂલવાની.  


કૃષિ મંત્રી રાઘવજી પટેલે શું કહ્યું - 
ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી, તજજ્ઞો આવશે જેથી સમગ્ર નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે.