Ambalal Patel Forecast:  ચક્રવાતી તોફાન મિચોંગ તમિલનાડુથી આંધ્રપ્રદેશ પહોંચી ગયું છે. મિચોંગે તમિલનાડુ અને ખાસ કરીને રાજધાની ચેન્નઈમાં ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાને લઈ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટું નિવેદન આપ્યું છે.


12 ડિસેમ્બર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થશેઃ અંબાલાલ પટેલ


અંબાલાલ પટેલે કહ્યું, વાવાઝોડાના કારણે અરબ સાગરમાં ભેજ આવશે. દક્ષિણ પૂર્વીય તટ પર જબરદસ્ત તબાહી મચાવશે. 6 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગમાં છૂટ્ટોછવાયા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી શકે છે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.  ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે, 7 ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે. લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જાન્યુઆરીમાં જોવા મળશે. ઉપરાંત 12 ડિસેમ્બર બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થશે.


હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યના એકઆદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. બે દિવસ રાજ્યમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. આ કારણે આગામી 2 દિવસોમાં તાપમાનનો પારો ગગડશે. આગામી 2 થી 3 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 15 થી 20 કિમી ની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે.  



બંગાળની ખાડીમાં બીજી ડિસેમ્બરે સર્જાયેલ મિચોંગ ચક્રવાત આજે  ગંભીર ચક્રવાત બન્યા બાદ આંધ પ્રદેશના દરિયાકાંઠે પહોંચી ગયું છે. IMDના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે વિનાશક ચક્રવાત મિચોંગ આગામી બે કલાકમાં બાપટલા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે. લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પવનની ઝડપ 90-100 કિમી પ્રતિ કલાક રહેશે. આ સમયગાળા દરમિયાન આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહેશે. આવતીકાલે સવાર સુધીમાં તે ડિપ્રેશનમાં નબળું પડી જશે.


સાવચેતીના પગલા તરીકે, રાજ્ય અને કેન્દ્ર સરકારોએ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીમાં NDRF ટીમો તૈનાત કરી દીધી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. આંધ્રપ્રદેશના બાપટલા કાંઠા પર ચક્રવાત મિચોંગની અસરના પગલે તમામ નાગરિકોને પહેલા જ દરિયાકાંઠેથી દૂર કરવામાં આવ્યા છે.