Gandhinagar : ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં રૂપિયા 6 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના કોઇપણ ગામના તળાવો એકબીજા સાથે લિંક છે. પૂર્વજોએ તળાવનું નિર્માણ એવી રીતે કર્યું હતું કે, કોઇપણ ગામના તળાવનું પાણી ઉભરાય તો અન્ય ગામના તળાવમાં પાણી જાય. 


પરંતુ આઝાદી પછી કોઇએ આ તળાવના એકબીજાના જોડાણ કરતા માર્ગની સફાઇની ચિંતા કરી નથી. જેની ફળશ્રુતિ રૂપે તળાવો સુકાવા લાગ્યા, તળાવ નજીક કચરાના ઢગલા થવા લાગ્યાં, તળાવમાં ગંદકી થવા લાગી અને પાણીના તળ નીચે જવા લાગ્યા છે.


આજે લોકોને ફલોરાઇડવાળું પાણી પીવાના દિવસો આવ્યા છે. પરંતુ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા કેનાલની સુચારું વ્યવસ્થા ગોઠવી છે. રાજયમાં ધીમે ધીમે પાણીના તળ ઉંચા આવી રહ્યા છે.


ગાંધીનગરના આઠમા તળાવના નવીનકરણના કામનો આરંભ
તળાવનું નવીનીકરણનું કામ દેખાવમાં નાનું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આપણી આવનારી પેઢીઓ પાણીથી, પાણી દ્વારા અને પાણી થકી પોતાનું સ્વાસ્થ્ય સાચવી શકશે. ફલોરાઇડવાળું પાણી શરીરમાં ધીમા ઝેર જેવું છે. પાણીના તળ ઉંચા લાવવા તથા જમીનના પાણીમાં ફલોરાઇડની માત્રા ઘટાડવાના ઉમદા આશયથી ગાંધીનગરના આઠમા તળાવના નવીનકરણના કામનો આરંભ કરવામાં આવ્યો છે.    


આ તળાવો ગામનો આત્મા બની રહેશે
ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ત્રણ એકરથી મોટા તળાવોને આગામી 10 વર્ષમાં સુંદર બનાવવામાં આવશે, તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરીને અમિત શાહે ઉમેર્યું હતું કે, આ તળાવો ગામનો આત્મા બની રહેશે. આજે વડસર ગામનું તળાવનો વિકાસ કાર્યનો આરંભ થયો છે. જે આગામી સમયમાં ગામનું ઊર્જા કેન્દ્ર બની રહેશે.




વડસર તળાવમાં આ સુવિધાઓ ઉભી કરવામાં આવશે 
આ તળાવમાં નાના ભુલકાં માટે રમવાના સાધનો, વડીલોને બેસવા માટે બાંકડા, જન્મ દિવસ કે લગ્ન પ્રસંગ કરી શકાય તેવી વ્યવસ્થા પણ તળાવના વિકાસ કાર્યમાં પ્રાધાન્ય આપવામાં આવી છે. વડસર ગામના તળાવ ખાતે વન જેવું જંગલનું નિર્માણ કરવામાં આવશે, ત્યાં બોટિંગની પણ સુવિધા સાથે સાથે ખાણીપીણીનું બજાર બનશે. 


એક વર્ષમાં કામ પૂરું થશે 
તળાવને પાણીથી ભરેલું રાખવા માટે આવરાઓની સફાઇ કરવામાં આવશે. તેની સાથે પ્રકૃતિના સોદર્યેની અનુભુતિ કરવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જે વૃક્ષો પક્ષીઓ માટે નિવાસસ્થાન બની રહેશે. આગામી એક વર્ષમાં આ કાર્ય પૂર્ણ થશે.


નવીનીકરણ થનાર તળાવ ગામનું પર્યટક સ્થળ બની રહેશે
કાર્યક્રમના આરંભે જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલે મહાનુભાવોનું સ્વાગત કરીને જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રીના સંસદીય મત વિસ્તારમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારમાં આજે આઠમા ગામના તળાવના નવીનીકરણ કામનો આરંભ કરવામાં આવ્યો છે. તળાવમાં જળના સંગ્રહ થવાથી આસપાસની જમીનના પાણીના તળ ઉંચા આવશે. નવીનીકરણ થનાર તળાવ ગામનું પર્યટક સ્થળ બની રહેશે. જેની જાળવણી કરવાની અને ગંદકી ન થાય તેનું ઘ્યાન રાખવાની જવાબદારી ગ્રામજનોની છે. ગામના વિકાસ માટે સમય અને શ્રમ દાન આપવા માટે અગ્રણીઓને જણાવ્યું હતું.